પત્તા- પાનના હારજીતના જુગાર પર : દે. બારીયા પોલીસે છાપો મારી પાંચ જુગારીયાઓને રૂા.૩૦ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
મળેલ બાતમીના આધારે દે.બારીયા પોલીસે દે.બારીયા રાણીવાવ ધર્મશાળા લાઈનની પાછળ કોટની બાજુમાં ગાંડા બાવળના ઝાડ નીચે ખુલ્લામાં પત્તા પાના વડે હારજીતનો રમાતા જુગાર પર ઓચિંતો છાપો મારી રૂપિયા ૩૦ હજાર ઉપરાંતની રોકડ તથા પત્તાની કેટ સાથે પાંચ જેટલા જુગારીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા નગરમા રાણીવાવ ધર્મશાળા લાઈનની પાછળ કોટની બાજુમાં ગાંડા બાવળના ઝાડ નીચે ખુલ્લામા પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાતો હોવાની પોતાને મળેલ બાતમીના આધારે દે.બારીયા પોલીસે ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે બાતમીવાળી જગ્યાએ ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. તેમ છતા પોલીસે તેઓને ચારે બાજુથી ઘેરી લઈ જુગાર રમી રહેલા દે.બારીયા રાણીવાવ ધર્મશાળા લાઈનમા રહેતા નંદકિશોર લાલચંદ મોચી, હીતેશભાઈ મંગાભાઈ વળવાઈ, ઉધાવળા ગામના નાકટી ફળીયાના સલમાન ઉર્ફે ટાઈગર મહંમદ રામાવાળા, દે.બારીયા સમડી સર્કલ ખાતે રહેતા અહેઝાલ ઉર્ફે શાહુ મુખત્યાર સેના સિધ્ધી તથા દે.બારીયા સ્ટેશન શેરીમાં રહેતા કમલેશભાઈ બચુભાઈ લુહારની ધરપકડ કરી તેઓની અંગઝડતીના તથા દાવ પરના મળી રૂા.૩૦,૦૪૦ની રોકડ તથા પત્તાની કેટ ઝડપી પાડી કબ્જે લીધી હતી.સંબંધે ઝાલોદ પોલીસે પકડાયેલા ઉપરોક્ત પાંચે જુગારીયાઓ વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.