૧૬૪૭ શાળાઓને ૧૫૦ રૂટ થકી આવરી લેવાના લક્ષ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો દાહોદ જિલ્લામાં પ્રારંભ : પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓએ વિવિધ શાળામાં ઉપસ્થિત રહી
ને બાળકોને પ્રોત્સાહિત કર્યા
શાળાના પ્રથમ દિવસે મહાનુભાવોએ ઉમળકાભેર સ્વાગત કરી બાળકોને શુભેચ્છાઓ આપી
દાહોદ તા. ૨૩
દાહોદ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આજ રોજથી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨” કાર્યક્રમનો પ્રારંભ થયો છે. સરકારના આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આગેવાનો, અગ્રણીઓએ વિવિધ શાળા ખાતે ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં સુંદર માહોલમાં પ્રવેશ અપાવ્યો હતો અને બાળકોના ૧૦૦ ટકા નામાંકન થાય એ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લાની ૧૬૪૭ શાળાઓને આ ત્રણ દિવસમાં ૧૫૦ રૂટ થકી આવરી લેવાશે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, આગેવાનો સ્થાનિક અગ્રણીઓ સહિત કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સહિતના અધિકારીશ્રીઓ આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોનો શાળામાં નામાંકન કરાવ્યું હતું.
આજના કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ પણ સહભાગી થયા હતા અને બાળકોને સ્કુલ બેગ, પેન્સીલ બોક્સ, કંપાસ સહિતની શૈક્ષણિક કીટ આપી હતી. બાળકો પણ શાળા પ્રવેશના પ્રથમ દિવસે ખુશખુશાલ જણાયા હતા. બાળકોને મહાનુભાવોએ ખૂબ જ પ્રોત્સાહક વાતાવરણમાં શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ વર્ષના શાળા પ્રવેશોત્સવમાં કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ આ પ્રવેશોત્સવમાં નવી બાબત તરીકે ઉમેરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ ધ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે, લર્નીગ લોસ માટે શિક્ષકોએ આપેલ સમય દાન, વિધાર્થીઓ અને શિક્ષકોની ૧૦૦ ટકા નિયમિત હાજરી, શાળાઓની માળખાકીય સુવિધા, જી.શાળા એપનો વિધાર્થી ધ્વારા ઉપયોગ, એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામો વગેરે જેવી બાબતો સામેલ છે.