દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર : શિક્ષકો બાળકોનું શિક્ષણ સાથે જીવનઘડતર પણ કરે : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે ઝાલોદ, ફતેપુરા અને સંજેલીની શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
દાહોદ તા. ૨૪
દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ દરેક બાળકનું શાળામાં નામાંકન થાય એ માટે ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહીને પ્રતિબદ્ધતા સાથે કામગીરી રહ્યાં છે. ત્યારે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર આજે ઝાલોદ, ફતેપુરા અને સંજેલીના ગામોની શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને બાળકોને શાળાના પ્રથમ દિવસની શુભેચ્છાઓ આપી હતી.
સાંસદ શ્રી ભાભોરે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલા તા. ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન યોજાઇ રહી છે. ત્યારે જિલ્લામાં બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય એ માટે કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં બાળકને ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાળકોનું શિક્ષણ થકી જીવનઘડતર થાય એ પણ એટલું જ જરૂરી છે. તેઓ સારૂ શિક્ષણ મેળવીને આદર્શ નાગરિક બને એ માટેની શુભેચ્છાઓ પણ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી અને આ માટે શિક્ષકની મહત્વપૂર્ણ જવાબદારી વિશે તેમણે સમજ આપી હતી.
સાંસદ શ્રી ભોભોરે ઝાલોદ તાલુકાની કજેલી વર્ગ ગરાડું પ્રાથમિક શાળા, ફતેપુરા તાલુકાના વાંગડ મુખ્ય પ્રાથમિક શાળા, સંજેલી તાલુકાના વાંસિયા મુખ્ય પ્રાથમિક શાળામાં આજ રોજ ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને પેન, સ્કુલ બેગ વગેરેનું વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.