દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા દંડક શ્રી રમેશભાઇ કટારા : દંડક શ્રી રમેશભાઇ કટારા ફતેપુરાની પ્રાથમિક શાળાઓમાં હાજર રહીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
દાહોદ તા. ૨૫


દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ત્રીજા દિવસે વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા ફતેપુરાની વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને તેમના શાળાના પ્રથમ દિવસે પ્રવેશ કરાવ્યો હતો અને બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું.
દંડક શ્રી રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં ત્રણ દિવસ માટે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૭ મી શ્રૃખંલા રાજ્યભરમાં ચાલી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં શાળાઓમાં બાળકનું ૧૦૦ ટકા નામાંકન થાય એ માટે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે અને જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જોડાયા છે. બાળકનો એક પ્રોત્સાહક વાતાવરણમાં સ્વાગત કરીને શાળાઓમાં પ્રવેશ અપાઇ રહ્યો છે ત્યારે શાળામાં બાળકની નિયમિતતા સહિતની બાબતો ઉપર પણ ધ્યાને લેવાની છે.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ કન્યા કેળવણી ઉપર સતત ભાર મૂકતા આવ્યા છે. રાજ્ય સરકાર પણ બાળકોને ગુણવતાપૂર્ણ શિક્ષણ મળી રહે એ માટે સઘન પ્રયાસો કરી રહી છે. ત્યારે શિક્ષકો બાળકોને સારૂ શિક્ષણ આપે તેની મહત્વની જવાબદારી તેમની પાસે છે. બાળકો જ દેશનું ભવિષ્ય છે. તેમના યોગ્ય શિક્ષણ થકી આપણે દેશના જ ઉજળા ભાવિનું નિર્માણ કરીશું. શિક્ષકોની જવાબદારી છે કે બાળકોમાં ઉચ્ચ ચારિત્ર અને સંસ્કારનું સિંચન કરે.
ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા આજે ફતેપુરાની મોટીરેલપૂર્વ કલસ્ટરની નિંદકાપૂર્વ પ્રાથમિક શાળા, ખૂંટા વર્ગ પ્રાથમિક શાળા, મોટીના દુકણ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે બાળકોનું મોઢું મીઠું કરાવી, ચોકલેટ, સ્કુલ બેગ, શૈક્ષણિક કીટ વગેરેનું વિતરણ કરી બાળકોને શાળાના પ્રથમ દિવસે શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, વાલીઓ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને શાળાના પ્રથમ દિવસે પ્રોત્સાહક વાતાવરણ પુરૂ પાડયું હતું.

