દાહોદ જિલ્લામાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજાશે : આગામી તા. ૨૯ જુનથી તા. ૫ જુલાઇ દરમિયાન ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન : વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ : ૨૦ વર્ષનો વિશ્વાસ યોજાશે
ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન અંતર્ગત સાત દિવસનો કાર્યક્રમ દાહોદ નગરના સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે
સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન તથા વેચાણ માટેની વ્યવસ્થા કરાશે
ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનો પ્રારંભ કરાવશે
દાહો તા. ૨૭
દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૯ જુનથી તા. ૫ જુલાઇ દરમિયાન ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન – ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’ યોજાશે. આ સાત દિવસનો સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન કાર્યક્રમ દાહોદ નગરના સિટી ગ્રાઉંડ ખાતે યોજાશે.
દાહોદ નગરમાં યોજાનારા સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનો શુભારંભ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા. ૨૯ ના સાંજે ૫ કલાકે કરશે. સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન આગામી તા. ૨૯ થી તા. ૫ જુલાઇ સુધી દરરોજ સવારે ૧૦ થી રાત્રીના ૧૦.૩૦ વાગ્યા સુધી દાહોદ નગરના સીટી ગ્રાંઉન્ડ ખાતે યોજાશે.
આ કાર્યક્રમના યોગ્ય આયોજન માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લાની અમલીકરણ સમિતિના સભ્યશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રીએ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્ટોલ ઉભા કરવા, વીજ કાર્ય, ફાયર સેફટી, સીસીટીવી તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ કાર્ય સહિતની કામગીરી પર ચર્ચા કરી અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. તેમજ પ્રદર્શન નિહાળવા આવનારા નાગરિકો માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે તેમણે જણાવ્યું હતું.
આ પ્રદર્શન સ્થળ ખાતે વિવિધ ૫૦ થી પણ વધુ સ્ટોલ પણ ઉભા કરાશે. જયા સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન તથા વેચાણ માટેની વ્યવસ્થા કરાશે. પ્રદર્શન સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. આ પ્રદર્શન તેમજ જિલ્લાકક્ષાના મેળામાં ગુજરાત લાઇલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ, ઇન્ડેક્ષ-સી, ખાદી ગ્રમોદ્યોગ બોર્ડ, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અને મહિલા આર્થિક વિકાસ નિગમના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા તેમના ખેતરમાંથી ઉત્પાદિત કરવામાં આવેલા ખેતીપાકોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે.
રાજય સરકારની ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસીય જિલ્લાકક્ષાના મેળામાં મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે કલેક્ટર ડો. ગોસાવીએ અપીલ કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, પ્રાયોજના વહીવટદારશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.