એકલવ્ય પ્રયાસ અંતર્ગત દાહોદનાં વિદ્યાર્થીઓ નીટ – જેઇઇ માટેના કોચિંગની પ્રથમ બેચનું અભ્યાસ કાર્ય પૂર્ણ થતાં સમાપન સમારોહ યોજાયો : એકલવ્ય પ્રયાસ અંતર્ગત વિદ્યાર્થીઓને ૬૫ દિવસ સુધી ૧૭૬ કલાકનું કોચિંગ ૯ જેટલા વિષય નિષ્ણાતોએ આપ્યું

દાહોદ તા.૦૩


જિલ્લા વહીવટી તંત્રની ઉમદા પહેલ ‘એકલવ્ય પ્રયાસ’ અંતર્ગત દાહોદનાં વિદ્યાર્થીઓ નીટ-જેઇઇની પરીક્ષા માટેના નિઃશુલ્ક અને ગુણવત્તાં સભર કોચિંગની પ્રથમ બેચનું અભ્યાસ કાર્ય પૂર્ણ થતાં સમાપન સમારોહ યોજાયો હતો. એકલવ્ય પ્રયાસ અંતર્ગત વિદ્યાર્થીઓને ૬૫ દિવસ સુધી ૧૭૬ કલાકનું કોચિંગ ૯ જેટલા વિષય નિષ્ણાતોએ આપ્યું હતું. જિલ્લાના ૩૦ થી વધુ વિધાર્થીઓએ કોચિંગ મેળવ્યું હતું. જે અંતર્ગત એકલવ્ય પ્રયાસમાં યોગદાન આપનાર શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ માટે સન્માન કાર્યક્રમ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે યોજાયો હતો.
કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લા વહીવટી તંત્રની પહેલને સારી રીતે ઝીલી લેવા બદલ શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, શિક્ષકોએ એકલવ્ય પ્રયાસ પહેલમાં ખૂબ સમર્પિત થઈને કામગીરી કરી છે. દોઢેક માસ સુધી નિયમિત વિર્ધાથીઓને બે થી અઢી કલાકનું કોચિંગ અપાયું છે. આ કોચિંગ થકી વિદ્યાર્થીઓ અવશ્ય પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે. એકલવ્ય પ્રયાસ આગળ પણ ચાલુ રહેશે તેમ જણાવી વિર્ધાથીઓને પરીક્ષા માટેની કેટલીક અગત્યની ટિપ્સ પણ કલેકટરશ્રીએ આપી હતી.
વ્યકતિ આજીવન વિર્ધાથી છે અને શીખવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ કહ્યું કે, એકલવ્ય પ્રયાસ શિક્ષકો અને વિર્ધાથીઓના સહિયારા પ્રયાસથી સફળતા મેળવી છે. શિક્ષકો અને વિર્ધાથીઓની મહેનત સરાહનીય રહી. જેનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે આ કલાસ કાર્યરત હતો અને અહીં જ સમાપન સમારોહ યોજાયો હતો.
સન્માન કાર્યક્રમ સેમીનારમાં શ્રી જગદંબા પ્રસાદ, શ્રી ગૌરવ જોશીએ પણ પ્રાસગીક પ્રવચન કર્યું હતું.
પ્રો.ઇશાક સહિત યોગદાન આપનારા શિક્ષકો અને કર્મયોગીઓને પ્રશંસાપાત્ર અને ટ્રોફી આપીંને સન્માન કરવામાં આવ્યું હતું. વિર્ધાથીઓને પણ નોટ-પેન ભેટ આપીને પરીક્ષામાં સફળતાની શુભેચ્છાઓ અપાઈ હતી. આ વેળાએ શિક્ષકોએ પોતાના અનુભવ જણાવ્યા હતા.
શિક્ષણ નિરીક્ષક ડો. રાકેશે સ્વાગત પ્રવચન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વિર્ધાથીઓ માટે કોચિંગ ગત તા. ૨૯ એપ્રિલથી શરૂ કરાયું હતું. કલેકટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ જિલ્લામાં પ્રતિભાશાળી વિર્ધાથીઓને નિટ -જેઇઈ પરીક્ષા માટે યોગ્ય કોચિંગ મળી રહે તે માટે આ ઉમદા પહેલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: