દાહોદ નગરના સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયો છે વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળો : ગુજરાત રાજ્યના બે દાયકાના વિકાસયાત્રાનો પરિચય કરાવતા વંદે ગુજરાત પ્રદર્શનની મગંળવારે મુલાકાત લેવાની અંતિમ તક
દાહોદ તા.૦૪
જિલ્લાના વિવિધ સખીમંડળની કલાત્મક હાથબનાવટની વસ્તુઓ માટેના ૫૦ જેટલા વિવિધ સ્ટોલ
દાહોદ જિલ્લામાં ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન – ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’ નો મગંળવારે અંતિમ દિવસે છે. ત્યારે દાહોદનાં નાગરિકો દાહોદ નગરના સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ પ્રદર્શનનો લાભ અવશ્ય લે. ગુજરાત રાજ્યે ૨૦ વર્ષોમાં વિકાસના નવા સીમાચિહ્નો સર કર્યા છે. નવા ગુજરાતનો પરિચય આપતા આ આગવા પ્રદર્શનની એક વાર મુલાકાત તો લેવી જ રહી. સાથે અહીં જિલ્લાના વિવિધ સખીમંડળો દ્વારા તૈયાર કરાયેલી સુંદર ચીજવસ્તુઓ વાજબી ભાવે મળી રહી છે. તેની પણ નાગરિકો ખરીદી કરી શકે છે.
વંદે ગુજરાત પ્રદર્શન અંતર્ગત ગુજરાતે છેલ્લા બે દાયકામાં કરેલા અસામાન્ય વિકાસની ઝાંખી અહીં સુંદર રીતે પ્રસ્તૃત કરાઇ છે. ૨૦ વર્ષ પહેલાના ગુજરાત અને હાલના ગુજરાતની સ્થિતિનું વિવિધ તસવીરો સાથે સપષ્ટપણે તફાવત આ પ્રદર્શનમાં નિહાળી શકાય છે. જે નિહાળવાનો આવતી કાલના અંતિમ દિવસે નાગરિકોએ અવશ્ય લાભ લેવો જોઇએ.
દાહોદ નગરના સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં જિલ્લાની મહિલાઓ સંચાલિત સખી મંડળના વિવિધ સ્ટોલ લાગેલા છે. જયાંથી ઘર સજાવટની ચીજવસ્તુઓથી લઇને ઘરઉપયોગની વિવિધ ચીજવસ્તુઓ મળી રહી છે. વાંસની અદભૂત કારીગરીવાળી કલાત્મક વસ્તુઓના સ્ટોલે પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. અહીંના સ્થાનિક લોકો દ્વારા તૈયાર કરાયેલી મોતીકામ, ભરતકામ, વસ્ત્રાભૂષણો, તેમજ માટીકામની વસ્તુઓ, હાથબનાવટની વસ્તુઓ વાજબી ભાવે મળી રહી છે.
અહીં પ્રાકૃતિક કૃષિ પેદાશોનો સ્ટોર પણ લગાવવામાં આવ્યો છે. જયાં પ્રાકૃતિક કૃષિ પેદાશો વેચાતી લઇ શકાય છે. તેમજ સરકારની આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગોએ યોજનાઓની માહિતી આપતા સ્ટોર પણ અહીં ઉભા કર્યા છે. સાથે ખાણીપીણી માટેની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે.
દાહોદ ખાતે યોજાયેલા આ વંદે ગુજરાત પ્રદર્શનની અત્યાર સુધીમાં હજારો નાગરિકોએ મુલાકાત લીધી છે અને સખી મંડળની વિવિધ ચીજવસ્તુઓનું પણ ભારે વેચાણ થયું છે. દાહોદ જિલ્લામાં ગત તા. ૨૯ જુનથી ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન – ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’નું દાહોદ નગરના સિટી ગ્રાઉંડ ખાતે વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાએ પ્રારંભ કરાવ્યો હતો.