દાહોદ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાશે : જિલ્લામાં કુલ ૩ રથ જિલ્લા પંચાયતની તમામ બેઠકો સહિતના ગામોમાં પરિભ્રમણ કરશે

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દાહોદ જિલ્લામાં રૂ. ૪૪૦૪ લાખના ૧૦૭૦ જનવિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે

જિલ્લામાં રૂ. ૪૯૩૨ લાખના ૧૩૭૪ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કરી પ્રારંભ કરાશે

આગામી મંગળવારે મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમાર દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવશે

દાહોદ તા. ૪

વંદે ગુજરાત વિકાસયાત્રાના માધ્યમથી સુશાસનના ૨૦ વર્ષની ગુજરાત રાજ્ય ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત વિવિધ વિભાગોની યોજનાઓ અને સેવાઓના લાભનું નાગરિકોને વિતરણ કરાશે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ ગુજરાતે બે દાયકામાં કરેલા અભૂતપૂર્વ વિકાસનો આ વિકાસ યાત્રાના માધ્યમથી લોકોને પરિચય કરાવાશે. જિલ્લામાં આગામી તા ૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ત્રણ રથો જિલ્લા પંચાયતની તમામ બેઠકો સહિતના ગામોમાં પરિભ્રમણ કરશે.
આગામી તા. ૫ જુલાઇ મંગળવારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમાર દાહોદ નગરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતેથી વિકાસ યાત્રાનો સાંજના પાંચ વાગેથી પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહભાગી થશે.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દાહોદ જિલ્લામાં રૂ. ૪૪૦૪ લાખના ૧૦૭૦ જનવિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે. તેમજ રૂ. ૪૯૬૨ લાખના ૧૩૭૪ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કરી પ્રારંભ કરાશે. આ ઉપરાંત ૮૬૦૦ થી વધુ લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભની વહેચણી કરાશે.
રાજ્ય સરકારે છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન વિકાસના નિત નવા સોપાનો સર કર્યા છે. ગુજરાતે સાધેલા અપ્રતિમ વિકાસની વાતને જનજન સુધી પહોચાડવાના ભાગરૂપે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ હેઠળ દાહોદ જિલ્લામાં ૩ રથો સાથે જિલ્લા પંચાયતની બેઠકોને આવરી લઇને વિવિધ ગામોમાં રથ પરિભમ્રણ કરશે અને નાગરિકોને રાજ્યમાં ૨૦ વર્ષ દરમિયાન થયેલા વિકાસનો પરિચય કરાવશે તેમજ સવાર તથા સાંજે કાર્યક્રમો કરીને વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાપર્ણ તથા યોજનાકીય સહાયનું વિતરણ સાથે આયુષ્યમાન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે.
તદ્દપરાંત, પ્રભાતફેરી, યોગ નિદર્શન કાર્યક્રમો, કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોના સુપોષણ અને વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર-નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાશે. આ ૧૫ દિવસ દરમિયાન સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ દરમિયાન તથા સાંજે ૪.૦૦ થી ૬.૩૦ દરમિયાન નિયત સ્થળોએ કાર્યક્રમો યોજાશે. જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: