દાહોદ નગરના સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રદર્શનની ૧૧ હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી : દાહોદ જિલ્લામાં યોજાયેલા સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનો મંગળવારે સમાપન સમારોહ યોજાયો




દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લામાં યોજાયલા સાત દિવસના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનો મગંળવારે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીની અધ્યક્ષતામાં સમાપન સમારોહ યોજાયો હતો. ગત તા. ૨૯ થી વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાએ આ સાત દિવસીય પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રદર્શનને વ્યાપક જનપ્રતિસાદ સાંપડયો છે.
દાહોદ નગરનાં સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ પ્રદર્શનની ૧૧ હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી હતી અને અહીં ઉભા કરાયેલા સખી મંડળના સ્ટોર ઉપર રૂ. ૭.૧૫ લાખની ચીજ વસ્તુઓનું વેચાણ થયું છે. વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાનો મગંળવારે સમાપન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ સાત દિવસીય વંદે ગુજરાત પ્રદર્શનને સફળ બનાવવા માટે નાગરિકોને ધન્યવાદ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે છેલ્લા ૨૦ વર્ષમાં જે વિકાસ સાધ્યો છે તેના આ પ્રદર્શનની નાગરિકોએ મોટી સંખ્યામાં મુલાકાત લઇને રાજ્યની વિકાસ યાત્રાથી પરિચિત થયા છે. આ સાત દિવસના પ્રદર્શન સાથે અહીં યોજાયેલા સખી મેળાને પણ સરસ પ્રતિસાદ સાંપડયો છે. સખી મંડળની મહિલાઓએ ચીજવસ્તુઓના વેચાણ થકી સારો નફો મેળવ્યો છે. અહીંના સખી મંડળની મહિલાઓ પાસે કલાકારીગરીનું ઉત્તમ હુન્નર છે, જે રાજ્ય જ નહીં વિશ્વ કક્ષાએ સરાહના મેળવી શકે છે તેમ જણાવી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સારો નફો મેળવનારા સખી મંડળની મહિલાઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.સાત દિવસીય પ્રદર્શનમાં ગુજરાત રાજ્યે છેલ્લા બે દાયકામાં જે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે તેની વિકાસગાથાનો પરિચય આપવામાં આવ્યો હતો. તેમજ જિલ્લાના વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓના વેચાણના ૫૦ જેટલા સ્ટોર પણ અહીં તૈયાર કરાયા હતા.
આ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાત, ગુજરાત લાઇવલીહુડ મેનેજર શ્રી સુકુમાર ભૂરિયા સહિતના અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો હાજર રહ્યાં હતાં.

