ઝાલોદ નગરમાંથી પોલીસે ૬ જુગારીઓને રૂા. ૨૧ હજારની રોકડ સાથે ઝડપી પાડ્યાં
રિપોર્ટર : ગગન સોની
ઝાલોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં જાહેરમાં પાના પત્તાના જુગાર ધામ પર પોલીસે ઓંચિતો છાપો મારતાં પોલીસે અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨૧,૫૦૦ સાથે એક મહિલા સહિત પાંચ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગતરોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ખાંટવાડા વિસ્તારમાં રમાતા પાના પત્તાના જુગાર ધામ ઉપર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમાડી રહેલ અને જુગાર રમતા રૂપેશભાઈ મણીભાઈ શાહ ઉર્ફે બટુક.(રહે વાવડી ફળિયા, ઝાલોદ), શાજીદભાઇ અબ્દુલભાઈ મતદાર (રહે.માંડલી ફળિયા, ઝાલોદ), નાથુભાઇ દેવલાભાઈ વશુનીયા (રહે.કલજીની સરસવાણ, ઝાલોદ), સુરેશભાઈ દેવાભાઇ ભુનાતર (રહે.ડુંગરી, ફળિયા, ઝાલોદ) અને કાલીબેન વાલકાભાઈ સંગાડા (રહે.ખાટવાડા, ઝાલોદ)ને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨૧,૫૦૦ તથા જુગારના સાધનો વિગેરે કબજે કર્યાં હતાં જ્યારે ચાર જેટલા અન્ય જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. આ સંબંધે ઝાલોદ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.