કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા રોજગાર સલાહકાર સંકલન સમિતિની બેઠક યોજાઇ : દાહોદ જિલ્લામાં ગત પોણા બે વર્ષમાં ૯૫ જેટલા ભરતી મેળાઓમાં ૨૧૩૧ યુવાનોની પસંદગી

દાહોદ તા. ૧૯

જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા રોજગાર સલાહકાર સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લામાં રોજગાર ભરતી મેળા અન્વયે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. કલેક્ટરશ્રીએ આગામી સમયમાં મોટા પ્રમાણમાં ભરતી મેળા યોજીને વધુમાં વધુ યુવાનોને રોજગારી માટેનું સૂચન કર્યું હતું.
કલેક્ટર ડો. ગોસાવીએ યુવાનોને અનુબંધમ પોર્ટલ ઉપર કઇ રીતે ઉમેદવારી નોંધાવવી વગેરે બાબતે યુવાનોને સમજ આપવા જણાવ્યું હતું. બેઠકમાં કલેક્ટરશ્રીએ આ વર્ષે યોજવામાં આવેલા રોજગાર ભરતી મેળા સહિતની કામગીરીની કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી. આગામી ઓગષ્ટ માસમાં ભરતી મેળાઓના આયોજન કરીને ૬૦૦ થી વધુ યુવાનોને રોજગારી મળે તે લક્ષ્યાંક સાથે કામ કરવા તેમણે સૂચન કર્યું હતું.
જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણે આપેલી માહિતી મુજબ જિલ્લામાં ગત ઓક્ટોબર ૨૦૨૦ થી જુન ૨૦૨૨ દરમિયાન ૯૫ જેટલા ભરતી મેળા કરાયા છે. જેમાં ૧૭૪ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો અને ૨૧૩૧ યુવાનોની પસંદગી કરાઇ હતી. ગત એપ્રીલ ૨૦૨૨ થી જુન ૨૦૨૨ દરમિયાન ૧૮ ભરતી મેળામાં ૪૬૬ જેટલા યુવાનોની પસંદગી કરાઇ હતી. જુલાઇ ૨૦૨૨ માં ૮ જેટલા ભરતી મેળા યોજાયા હતા. આ ઉપરાંત રોજગાર કચેરી દ્વારા યોજાયેલા માર્ગદર્શન શિબિર, વ્યક્તિગત માર્ગદર્શન, જૂથ વાર્તાલાપ, કેરીયર કોર્નર અને સેમીનાર, સંરક્ષણ તાલીમ વર્ગની માહિતી પણ અપાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!