કેન્દ્ર સરકારની એડીપ યોજના અંતર્ગત ૧૨૦ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી : કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યક્તિઓને ૨૮ લીગલ ગાર્ડિયનશીપ પ્રમાણપત્ર તેમજ મતદાન અંગેની સમજ આપવામાં આવી હતી

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લામાં આજ રોજ કેંન્દ્ર સરકારની દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપતી એડીપ યોજના અંતર્ગત સાધન સહાય વિતરણ, દિવ્યાંગ વ્યક્તિઓને લીગલ ગાર્ડીયનશીપ સર્ટીફિકેટ વિતરણ, ગ્રોસરી કિટ્સનું વિતરણ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે મતદાન જાગૃકતા માટેનો કાર્યક્રમ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં દાહોદનાં બ્લાઇંડ વેલફેર કાઉન્સીલ ખાતે યોજાયો હતો.
કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીએ લીગલ ગાર્ડિયશીપની સમજ આપતા જણાવ્યુ કે, પુખ્તવયના બાળકો જેઓને માતા-પિતા નથી તેઓને વાલીપણાનો હક્ક આપવાનો ઉદ્દેશ રહેલો છે. આજે ૨૮ દિવ્યાંગ બાળકોને લીગલ ગાર્ડિયનશીપના પ્રમાણપત્ર અપાયા છે. તેમજ ડોનેટકાર્ડ ડોટકોમ થકી આજે ૫૦,૦૦૦ નું દાન થકી ગ્રોસરી કીટનું વિતરણ પણ કરાયુ છે. આજે દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવા ૪૦ આ.ડી કીટ, ૫૦ હીયરીંગ હેડ, ૨૫ ટ્રાયસીકલ, ૧૦ વ્હીલચેર કેંન્દ્ર સરકારની એડીપ દિવ્યાંગ યોજના હેઠળ લાભ અપાયો છે. ૧૯૮૧ થી લાગુ કરાયેલી આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓ ને જે સાધન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની એડીપ યોજના સહિતની યોજનાઓ અંતર્ગત આજે કુલ ૧૨૦ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે. જે કેન્દ્ર સરકારની દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દિવ્યાંગ વ્યક્તિ પણ ભારતના નાગરિક તરીકે મતદાનનો હક છે એમ જણાવી કલેક્ટરશ્રીએ દિવ્યાંગ વ્યક્તિઓને મતદાન કરીને ચૂંટણીની બંધારણીય પ્રક્રિયામાં અવશ્ય ભાગીદાર થવા જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ગણાસવા એ જ્ણાવ્યું કે, તા. ૧-૧-૨૦૨૨ ના રોજ જે બાળકો ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય એ ફોમ નં -૬ ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. બુથ લેવલ ઓફિસરો, શિક્ષકો ડોર ટુ ડોર આવીને ફોર્મ સ્વીકારવાની કામગીરી કરી રહ્યાં છે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી તા. ૨૨-૦૭-૨૦૨૨ સુધી ચાલવાનો છે. ઑગસ્ટમાં તા. ૧૨-૦૮-૨૦૨૨ થી સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ પણ એક માસ સુધી ચાલવાનો છે. વિધાર્થી મિત્રો પણ પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેમ તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યક્તિઓ મતદાન કરી શકે તે માટે ચૂટંણી કાર્ડનું વિતરણ કરાયું હતું તેમજ ડોનેટકાર્ટ.કોમ પ્રાયોજિત ગ્રોસરી કીટનું વિતરણ પણ મહાનુભાવોએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં એડીપ યોજના કોઓર્ડીનેટર (અમદાવાદ) શ્રી રાજેન્દ્રકુમાર ચેચાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી. ખાટા તેમજ બ્લાઇંડ વેલફેર કાઉન્સીલના શ્રી યુસૂફી કાપડીયા, ડો. એન.એન. નાગર, કે.એલ. પટેલ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: