રાષ્ટ્રભાવનાને મજબુત કરવા દાહોદ જિલ્લાના દરેક ઘરે લહેરાવાશે ત્રિરંગો : જિલ્લામાં આગામી તા. ૧૩ થી તા. ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા કાર્યક્રમ યોજાશે : કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમના આયોજન માટેની બેઠક યોજાઈ
દાહોદ તા. ૨૩
દાહોદ જિલ્લામાં દરેક ઘરે ત્રિરંગો લહેરાય અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે નાગરિકોમાં ઉચ્ચ ભાવના જન્મે, રાષ્ટ્રભાવના મજબુત થાય તેવા ઉદ્દેશથી જિલ્લામાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમ માટેનું આયોજન કરાયું છે જે અંતર્ગત આગામી તા. ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના તમામ ઘરો, દૂકાનો, ઔદ્યોગીક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને હર ઘર ત્રિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગેના આયોજન માટે સઘન ચર્ચા કરાઇ હતી. જિલ્લાના મહત્તમ ઘરો અને શૈક્ષણિક, ઔદ્યોગિક એકમો પર ત્રિરંગો લહેરાવી ત્રિરંગા પ્રત્યે નાગરિકોમાં સન્માન અને રાષ્ટ્રપ્રેમની લાગણી જન્મે તે માટે વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાય એ રીતનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. રાષ્ટ્ર જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં નાગરિકોની રાષ્ટ્રભાવના દ્રઢ બને તે માટે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ નિમિત્તે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બને તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ જણાવ્યું કે, પંચાયત ઘરો, દૂધ મંડળીઓ, સરકારી ઇમારતો, ઔદ્યોગિક ગૃહો તેમજ જિલ્લાની શાળાઓમાં આઝાદી વિશે, ભારતના આઝાદીના લડવૈયાઓ વિશે, આઝાદીના મહત્વના પ્રસંગો વિશે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ગ્રામ્ય સ્તરે પ્રભાત ફેરી જેવાં આયોજનો વ્યાપક રીતે યોજીને મહત્તમ લોકોને આ ઉજવણીમાં સામેલ કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, નગર પાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ સહિતના જનપ્રતિનિધિઓ તેમજ લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ, તેમજ વેપારીમંડળના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યાં હતા.

