વિશ્વ આદિવાસી દિવસ : રાજ્યકક્ષાની ઉજવણી : દાહોદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદના ઝાલોદ ખાતે સહભાગી થશે

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૭

મુખ્યમંત્રી રૂ. ૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. આદિવાસી બંધુઓના સર્વાગી વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી રૂ. ૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના ૨૭ સ્થળોએ કાર્યક્રમ યોજાશે ત્યારે દાહોદનાં ઝાલોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કરવાના છે. જેમાં વ્યક્તિલક્ષી લાભની વિગત જોઇએ તો ૭૫૦૦ આવાસો માટે રૂ. ૯૦ કરોડના ચેકનું વિતરણ કરાશે. વન અધિકાર અધિનિયમ અંતર્ગત ૧૧૦૦૦ અધિકારપત્રોનું વિતરણ કરાશે. સિકલ સેલના ૬૦૦૦ દર્દીઓને રૂ. ૩.૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. તેમજ ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિષ્યવૃત્તિની રૂ. ૧૬૦ કરોડની સહાયનું વિતરણ કરાશે. તદ્દઉપરાંત ૨૫૦૦ લોકોને દૂધાળા પશુઓના લાભ અને ૨૦૦૦ ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના લાભ અપાશે.
ઝાલોદનાં સાયન્સ કોલેજના બાજુમાં મેલાણીયા ખાતે સવારે ૧૦.૩૦ કલાકથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!