દાહોદ જિલ્લાના અંતેલાથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સેવા સેતુના પાંચમાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે

દાહોદ તા.૦૯
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૧૦મી ઓક્ટોબરના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેથી સેવા સેતુના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. વ્યક્તિલક્ષી રજૂઆતો અને વિવિધ યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તેવા રાજ્યના પારદર્શી સેવા સેતુના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ ૩૩ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહે છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત આયોજન અને સંવેદનશીલતાની ફળશ્રુતિરૂપે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને નાગરિકોને વિવિધ યોજનાની ડોર સ્ટેપ ડિલિવરીનો ઉદ્દેશ આમાં રહેલો છે.
મુખ્યમંત્રીશ્રીના સૂચિત કાર્યક્રમ મુજબ તેઓ સવારના નવ વાગ્યે કાર્યક્રમના નજીકના સ્થળે રાખવામાં આવેલા પશુઆરોગ્ય કેમ્પની મુલાકાત લેવાના છે. જ્યા તેઓ ગૌ માતાનું પૂજન પણ કરશે. એ બાદ મુખ્ય સભા સ્થળ કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે પધારશે.
સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ જેવી જરૂરી સેવાથી માંડી રાજ્ય સરકારના ૩૩ વિભાગોની ૫૭ સેવા અને યોજનાઓને એમાં આવરી લેવામાં આવી છે. તેની સફળતાનું પ્રમાણ ૯૯ ટકાથી વધુ છે. એટલે કે સેવા સેતુ કાર્યક્રમમાં મળતી અરજી પૈકી ૯૯ ટકા અરજદારોને સેવા તથા યોજનાકીય લાભો પ્રદાન કરવામાં આવે છે.
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતેલા ગામે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમના અનુસંધાને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વિવિધ વિભાગના સ્ટોલ ઉપરાંત પૂછપરછ માટેની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
અંતેલા ખાતેના સેવાસેતુ કાર્યક્રમમાં રૂવાબારી, ભુલર, ડાંગરિયા, હિન્દોલિયા, ઉઘાવળા, મોટીઝરી, નાની ખજૂરી, નાનીઝરી, ચેનપુર, ફૂલપુરા, દેગાવાડા, ડુખળી, કોળીનાપુવાળા, પંચેલા, પીપલોદ, ઉચવાળ, ઝાબિયા, ઝાબ, દેવગઢ બારિયા, ડભવા, કેલિયા ગામના નાગરિકો માટે આ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬થી યોજાયેલા ચાર તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૩૬૭૪૩૯ અરજીઓ મળી હતી. જે પૈકી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૬૬૬૦૭ અરજીઓનો સકારાત્મક નિકાલ કરીને અરજદારોને લાભ આપવામાં આવ્યો છે. સેવા સેતુ કાર્યક્રમ રાજ્ય સરકારની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધ દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: