વિશ્વ આદિવાસી દિવસ – રાજ્યકક્ષાની ઉજવણી – દાહોદ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસે કંબોઇધામ ખાતે શ્રી ગોવિંદગુરૂ મહારાજને ભાવાંજલી આપશે
દાહોદ તા.૦૯


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. દાહોદ ખાતેના કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી ઝાલોદના કંબોઇધામ ખાતે શ્રી ગોવિંદગુરૂ મહારાજની સમાધિ સ્થળના દર્શનથી કરશે. માનગઢ ક્રાંતિના પ્રણેતા અને પ્રખર સમાજ સુધારક શ્રી ગોવિંદગુરૂ મહારાજના સમાધિ સ્થળે સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રીશ્રી નત મસ્તક થઇને ભાવાંજલી આપશે. ત્યાર બાદ ઝાલોદ ખાતેના વિશ્વ આદિવાસી સંમેલનની ઉજવણીમાં સહભાગી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીંના પ્રવાસન વિભાગ દ્વારા કંબોઇધામનો રૂ. ૨.૬૦ કરોડથી વધુના ખર્ચે જિલ્લા પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયો છે. અહીં શ્રી ગોવિંદગુરૂ મહારાજની મોટા કદની મૂર્તિનું મંદિર પરિસરમાં નિર્માણ કરાયું છે. તેમજ સમગ્ર મંદિર પરિસરનો પણ નોંધનીય વિકાસ કરાયો છે.
અહીં દર્શનાર્થે આવતા ભક્તો માટે વિવિધ સુવિધાના કામો પૂર્ણ કરાયા છે. જેમાં અહીં હોલ બિલ્ડીંગ, કંમ્પાઉન્ડ વોલ, ટોઇલેટ બ્લોક, પાર્કિગ, વોટર રૂમ, મેઇન ગેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, રોડ વર્કનો સમાવેશ થાય છે.

