દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામે એકને ગડદાપાટ્ટુનો ગંભીર માર મારી મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એક ઈસમે એક યુવકને ગડદાપાટ્ટુનો ગંભીર માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગત તા.૧૪મી ઓગષ્ટના રોજ સાંજના સાતેક વાગ્યાના આસપાસ નેનકી ગામે સીમળા ફળિયામાં રહેતાં મયુરભાઈ પારસીંગભાઈ બામણીયા પોતાના ઘરે હાજર હતાં તે સમયે તેઓના ઘરે સંજેલી તાલુકાના જેતપુર ગામે રહેતો રાજેન્દ્રભાઈ નવિનભાઈ ડામોર આવ્યો હતો અને બેફામ ગાળો અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મયુરભાઈને ગડદાપાટ્ટુનો શરીરે ગંભીર માર મારતાં મયુરનું મોત નીપજાવી રાજેન્દ્રભાઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલ પોલીસે મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં ત્યારે આ સંબંધે મૃતક મયુરભાઈની પત્નિ દક્ષાબેન મયુરભાઈ બામણીયાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.