લીમખેડા તાલુકાના ધુમણી ગામનો મર્ડર કેસ ઉકેલતી પોલિસ ઃ એક બાળ કિશોર તથા તેની પ્રેમિકાએ યુવકની હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી
દાહોદ તા.૧૧
લીમખેડા તાલુકાના ધુમણી ગામે કેટલાક દિવસો પુર્વે એક યુવકની હત્યા કરેલ હાલતમાં ખેતરમાંથી લાશ મળી આવી હતી. આ યુવકની લાશ અહીં ક્યાથી આવી અને તેની કોણે હત્યા કરી? જેવા અનેક પ્રશ્નો સાથે લીમખેડા પોલિસે તપાસનો દોર શરૂ કરતાં કાયદાના સંઘર્સમાં આવેલ લીમખેડા તાલુકામાં જ રહેતો એક બાળ કિશોર તથા તેની પ્રેમિકાએ આ યુવકને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનો મામલો પોલિસ તપાસમાં બહાર આવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કેસમાં સંડોવાયેલ બાળ કિશોરની પ્રેમીકાને મરણ જનાર યુવકે છેડતી કરી હોવાની અદાવતે બંન્નેએ યુવકને મોતને ઘાટ ઉતાર્યાનું પોલિસ તપાસમાં બહાર આવ્યુ હતુ.
લીમખેડા તાલુકાના ધુમણી ગામેથી ગત તા.૦૩.૧૦.૨૦૧૯ના રોજ રાત્રીના સમયે પ્રભાતભાઈ સામાભાઈ ડાંગી (રહે.શાષ્ટા,તા.લીમખેડા, જી.દાહોદ) ની તીક્ષ્ણ હથિયાર વડે શરીરે તેમજ માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી લાશને ખેતરમાં ફેરીં દેવામાં આવી હતી. આ બાદ લીમખેડા પોલિસે આ સંદર્ભે ઈપીકો કલમ ૩૦૨,૨૦૧ મુજબ ગુનો નોંધ્યો હતો. આ મર્ડરનો ભેગ ઉકેલવા લીમખેડા પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કરી પોલિસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી હહિકત સામે આવી હતી. લીમખેડા તાલુકામાં રહેતો એક બાળ કિશોર અને પોતાના જ ગામમાં રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ સંબંધ હતો. મૃતક પ્રભાતભાઈએ એકાદ માસ પહેલા યુવતીને છેડતી કરી હતી જે બાબતની જાણ યુવતીએ પોતાના પ્રેમી જે બાળ કિશોરને કરતાં બંન્નેએ આગોતરૂ કાવતરૂ રચી પ્રભાતભાઈને રાત્રીના સમયે ધુમણી ગામે બોલાવ્યો હતો અને જ્યા બાળ કિશોર અને તેની પ્રેમીકાએ પ્રભાતભાઈને લોખંડની કોસ વડે માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ પ્રભાતભાઈની લાશને ઘસેડી નજીકના ખેતરમાં ફેંકી નાસી ગયા હતા. ઉપરોક્ત તમામ હકીકતો પોલિસે આ બાળ કિશોર અને તેની પ્રેમીકાની ધનિષ્ઠ પુછપરછમાં કબુલાત કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાદ પોલિસે હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.