ફતેપુરા તાલુકાના સુખસરમાં બંધ મકાનોને નિશાન બનાવી 1.74 લાખ ઉપરાંતની માલ મત્તાની ચોરી : સુખસરના પ્રજાપતિ ફળીયામાં બંધ મકાનનું તાળું તોડી તિજોરીની તોડફોડ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઇ ગયા
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૪
રવિવાર રાત્રીના ત્રણ બંધ મકાનોના તાળા તૂટ્યા જેમાં સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ ભજવતા પોલીસના ઘરમાં પણ ચોરી થયેલ છે સુખસર પોલીસે ડોગ સ્કોડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ફતેપુરા તાલુકાના સુખસરમાં જાણભેદુ તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરી જવાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે.તેમાં ટૂંકા સમયમાં સુખસરના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોને નિશાની બનાવી ચોરી કરી જવાના ત્રણ બનાવો બની ચૂક્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર ગામના મૂળ વતની અને સુખસરમાં રહી બેંક ઓફ બરોડામાં કરાર આધારિત બી.સી મિત્ર તરીકે કામગીરી કરતા જયદીપભાઇ ભીમાભાઇ તાવિયાડ પોતાના રહેણાંક મકાનને તાળા મારી 20 ઓગસ્ટ- 2022 ના રોજ કામ અર્થે દાહોદ ગયેલા હતા અને પરિવાર સાથે ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું જ્યારે સુખસર ખાતે આવેલ પ્રજાપતિ વાસમાં તેમના મકાનના રાત્રિના સમયે કોઈ જાણ ભેદુ તસ્કરોએ મકાનના આગળના ભાગે તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા.અને તિજોરીની તોડફોડ કરી કપડા લત્તા વિગેરે વેર વિખેર કરી તિજોરીના ડ્રોવર નું તાળું તોડી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોર લોકોએ ચોરી કરી પલાયન થઈ ગયા હતા જેની જાણ જયદીપભાઇ તાવિયાડને થતા તેઓ સુખસર ખાતે આવી તપાસ કરતા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
તિજોરીના ડ્રોવરમાં તપાસ કરતા ડ્રોવરમાં મુકેલ રોકડ રૂપિયા 84 હજાર,સોનાની ચેન બે તોલા જેની કિંમત રૂપિયા 40 હજાર,સોનાની વીંટી નંગ 2 એક તોલા જેની કિંમત 2 હજાર તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી એક જોડ પાંચ ગ્રામની જેની કિંમત 10 હજાર,હાથે પહેરવાના ચાંદીના કડા નંગ બે જેની કિંમત રૂપિયા 7 હજાર,ચાંદીના એક જોડ છડા 200 ગ્રામના જેની કિંમત રૂપિયા 7 હજાર તથા તોશિબા કંપનીનું જૂનું લેપટોપ જેની કિંમત રૂપિયા 6 હજાર કુલ મળી રૂપિયા 1,74,000/-ની ચોર લોકો ચોરી કરી ગયા હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં રાધાબેન જયદીપભાઇ ભીમાભાઇ તાવીયાડનાઓએ ફરિયાદ આપતા સુખસર પોલીસે અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
એવું સાંભળવા મળેલ છે કે આજ દિવસે રાત્રિના સમયે અન્ય બે મકાનો જેમાં એક આફવા રોડ ખાતે ભાડાના મકાનમાં રહેતા અને સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના બંધ મકાનને પણ નિશાન બનાવી મકાનના તાળા તોડી 10 થી 12 હજાર રૂપિયાની ચોરી કરી ચોર લોકો પલયન થઈ ગયા હોવાનું પણ જાણવા મળે છે.સાથે-સાથે એક અન્ય મકાનના પણ તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે.પરંતુ આ બંને જગ્યાની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે.સુખસરમાં થયેલ ચોરી બાબતે ડોગ સ્કોડની મદદ લેવામાં આવી હતી. જેમાં ડોગ જે-તે જગ્યાએ ચોરી થઈ હતી ત્યાં ગયો હતો પરંતુ નક્કર પરિણામ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે.તેમજ ફિંગર પ્રિન્ટની પણ મદદ લેવામાં આવી હતી.જેના આધારે સુખસર પોલીસે અજાણ્યા તસ્કરો સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

