ઝાયડસ હોસ્પીટલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડની ઉજવણી કરવામાં આવી
દાહોદ, શુક્રવાર : ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચીત રાજએ ઝાયડસ હોસ્પીટલમાં માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લીધી હતી અને મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ હતુ
જિલ્લાના આઇસીડીએસ વિભાગ દ્વારા હોસ્પીટલમાં દાખલ માતાઓ અને નવજાત બાળકીઓને મમતા કીટનું વિતરણ કરવાનો આ દિવસે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચીત રાજે ઝાયડસ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલી માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લઇ મમતા કીટનું વિતરણ કર્યુ હતું અને હોસ્પીટલ દ્વારા તેમની કેવી કાળજી રાખવામાં આવે છે તે બાબતે પૃચ્છા કરી હતી. હોસ્પીટલના અધિકારીઓને માતાઓ અને બાળકીઓ પ્રત્યે વિશેષ કાળજી લેવા સૂચનો કર્યા હતા અને હોસ્પીટલ સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨ થી ૧૧ ઓકટોબરને યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ઉજવવામાં આવે છે.

