દાહોદના જેકોટ – રોઝમ ગામ નજીક હાઈવે પર લુંટારૂંઓનો આતંક : હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો : દાહોદના જેકોટ – રોઝમ હાઈવે પર ગતરોજ મોડી રાત્રે લુંટારૂઓએ એક ફોર વ્હીલર ગાડીને રોકી દંપતિને બાનમાં લઈ સોના ચાંદીના દાગીનાની લુંટ કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૨
દાહોદ તાલુકાના જેકોટ રોઝમ ગામ નજીક મોડી રાત્રીના સમયે હાઈવે ઉપર ફોર વહીલર ગાડીને પંચર પાડી દંપત્તિના સોનાના દાગીનાની લૂંટ કરી અજાણ્યા લૂંટારા થયાં ફરાર થઈ જવાની ઘટનાને પગલે પંથક સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાને પગલે મોડી રાત્રીના સમયે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
દાહોદ તાલુકાના જેકોટ તેમજ રોઝમ ગામની વચ્ચે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ફોરવીલ ગાડીમાં વડોદરા થી દાહોદ તરફ આવી રહેલા પરિવારની ગાડીમાં લુટારૂં ટોળકી દ્વારા પંચર પાડી પહેરેલા સોનાના દાગીનાની સનસનાટી ભરી
લૂંટની ઘટનાને અંજામ આપી હતી ત્યારે બીજી ઘટનામાં કોલકત્તાથી વડોદરા તરફ જતા અન્ય એક લોડિંગ ટેમ્પોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જાે કે તેઓ અસફળ રહ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ વાયુવેગે સ્થાનિક પોલીસને થતા જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લૂંટારૂ ટોળકીને ઝબ્બે કરવા નાકાબંધી સહિતના ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ શહેરના ગોદી રોડ રામનગરના રહેવાસી દિનેશભાઈ દશરથભાઈ વણઝારા ઉર્ફે સોનુભાઈ અને તેમની પત્ની અનિતાબેન તથા બે બાળકો સાથે સ્વીફ્ટ ગાડી લઈ કોઈ કામ અર્થે વડોદરા તરફ ગયા હતાત્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં દાહોદ તાલુકાના જેકોટ તેમજ રોઝમ ગામની વચ્ચે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા ચાર થી પાંચ લૂંટારૂંઓએ રાફી વડે ગાડીમાં પંચર પાડતા ટાયર બદલવા ઉતરતા દિનેશભાઈ પર હુમલો કરી તેમના તેમજ તેમની પત્ની અનિતાબેન ના ગળામાંથી સોનાની ચેન, સોનાની બુટ્ટીઓ,તેમજ સોનાની વીંટી સહિતના દાગીનાની લૂંટ કરી હતી ત્યારબાદ આ લૂંટારૂ ટોળકીએ દાહોદ થી વડોદરા તરફ જતા ટેમ્પોને આંતરી લુટનો પ્રયાસ કર્યો હતો જાે કે તેઓ અસફળ રહ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ બાદ લુટારૂં ટોળકી રાત્રિના અંધારામાં ગાયબ થઈ ગયા હતા જાેકે આ સમગ્ર ઘટનાની જાણ દાહોદ પોલીસને થતા દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા, એએસપી જગદીશ બાંગરવા, દાહોદ એલસીબી એસઓજી, દાહોદ ગ્રામ્ય પોલીસ કતવારા પોલીસ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લૂંટારું ટોળકીને ઝબ્બે કરવા ચારે તરફ નાકાબંધી સહિતના ચક્રો ગતિમાન કર્યા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની નાઈટ પેટ્રોલિંગ તેમજ પોલીસ સહાયતા કેન્દ્રથી માત્ર એક કિલોમીટર દૂર લૂંટારૂ ટોળકી દ્વારા આ સનસનાટી ભરી લૂંટને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે. ત્યારે આ લૂંટની ઘટના સંબંધે ભોગ બનનાર પીડિત દિનેશભાઈ દશરથભાઈ વણઝારા એ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: