જાણી જાેઈને નથી કરાતું કે કેમ તેની તપાસ થવી ઘટે : દાહોદમાં વારંવાર સર્જાતા BSNL ના નેટવર્કના ધાંધિયાથી લોકો પરેશાન બન્યા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદમાં સૌથી વધુ કનેક્શન ધરાવતાં સરકારી નેટવર્ક બી.એસ.એન.એલ.ના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
એક તરફ સરકાર ઈ – ધરા, બેન્કીંગ સહિતની બધી યોજનાઓ કે અભ્યાસ જેવી બાબતો માટે ઓનલાઈનનો આગ્રહ રાખે છે ત્યારે હવે જીવનજરૂરી બની ગયેલ નેટવર્ક ખોરવાતાં ખૂબ હાલાકી પડી રહી છે.
આ નેટવર્કના અધિકારીઓ સાથે વાતચીત કરતાં દાહોદમાં ચાલતી સ્માર્ટ સીટીની વિવિધ કાર્યવાહી અંતર્ગત થતાં ખોદકામથી આ નેટવર્કના કેબલ કપાઈ જતા હોવાનું જણાવાય છે ત્યારે વારંવાર આ એક જ નેટવર્ક ખોરવાઈ જાય છે તો ઈન્ટરનેટની સુવિધા આપતી અન્ય ખાનગી કંપનીઓના નેટવર્ક કેમ નથી ખોરવાતા ? અથવા તેવી ખાનગી કંપનીઓની સાથેની સાંઠગાંઠથી તો આ નેટવર્કના કર્મીઓ દ્વારા જાણી જાેઈને નથી કરાતું કે કેમ તેની તપાસ થવી ઘટે.
છેલ્લા એક સપ્તાહથી કેબલ કપાઈ ગયાનો આલાપ છેડાય છે ત્યારે આ કામગીરી સત્વરે યુદ્ધના ધોરણે કેમ નથી કરાતી તે પણ વિચારવા જેવું છે. નેટવર્ક પ્રોવાઈડર કંપનીઓ દ્વારા અવધિ સમાપ્ત થતાં જ નેટવર્ક બંધ કરી દેવાય છે ત્યારે મોંધાદાટ ભાવનું નેટવર્ક બંધ રહે તો જે તે ધારકોને તેનું વળતર અપાશે કે કેમ? તેવી પણ ચર્ચાઓ દાહોદવાસીઓમાં ઉઠવા પામી છે.

