શહેરના ગણેશ મંડળો સાથે રમાતી બાઈ બાઈ ચારણીની રમતનો અંત આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો : દાહોદ શહેરના પરેલમાં આવેલ તળાવમાં શ્રીજીની પ્રતિમાને વિસર્જીત કરવામાં આવશે
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૮
દાહોદ શહેરમાં ગણેશોત્સવના આરંભને ૮ દિવસ વીતિ ગયા અને જવાબદાર તંત્રને ગણેશ વિસર્જન માટેનું વ્યવસ્થિત સ્થળ નક્કી કરવા માટે નવરેજા પાણી આવી ગયા અને ગણેશ વિસર્જનનું સ્થળ શહેરના ગણેશ મંડળોની સંમતિથી દાહોદ પરેલમાં આવેલ તળાવમાં નક્કી કરાતા છેલ્લા કેટલાય દિવસથી ગણેશ વિસર્જનના મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા શહેરના ગણેશ મંડળો સાથે રમાતી આઈબાઈ ચારણીની રમતનો આજે અંત આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
દાહોદ શહેરમાં ગણેશ વિસર્જન કેટલાય વર્ષોથી શહેરના છાબ તળાવમાં કરવામાં આવતુ હતુ પરંતુ દાહોદનું છાબ તળાવ સ્માર્ટ સીટી અંતર્ગત આવી જતા સ્માર્ટ સીટી સમિતિ દ્વારા છાબ તળાવમા ગણેશ વિસર્જન કરવાની મનાઈ ફરમાવવામાં આવી. જેથી છેલ્લા ત્રણેક વર્ષથી ગણેશ વિસર્જનના સ્થળ માટેનો મુદ્દો તંત્રની નિષ્ક્રિયતાને કારણે વણઉકેલ્યો રહેવા પામ્યો હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન સ્થળના મામલે તંત્રની સાથે સાથે ગણેશ મંડળો અવઢવમાં હતા. જવાબદાર તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે જ્યાં જ્યાં સ્થળ નક્કી કરવામાં આવ્યું ત્યાં ત્યાં કોઈને કોઈ કાયદાકીય ગુંચ નડતા ગણેશ વિસર્જનના સ્થળ માટેનો કોયડો પેચીદો બન્યો હતો. અને જિલ્લા, તાલુકા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે ગણેશ મંડળોને આઈબાઈ ચારણી રમાડવાનું શરૂ થયું હતુ. દશ દશ દિવસ સુધીના જાજરમાન આતિથ્ય બાદ વિસર્જિત કરવા માટે દાહોદ પરેલ રેલ્વે હોસ્પીટલની પાછળનું તળાવ આજે ગણેશ મંડળોની સર્વ સંમતિથી નક્કી કરવામાં આવતા મંડળોએ હાશકારો અનુભવ્યો હતો.

