દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી કુલ રૂ.૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ત્રણની અટક
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પોલિસ પ્રોહી રેડ દરમ્યાન કુલ રૂ.૧,૦૨,૨૫૦ ની કુલ કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણ જણાની અટક કર્યાનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ઉસરવાણ ગામે બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકા પોલિસને મળેલ બાતમીના આધારે પોલિસે ગતરોજ દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે ટીંડરી ફળિયામાં રહેતા ગુલાબીબેન કમલસીંગભાઈ પ્રતાપસીંગભાઈ સીસોદીયાના રહેણાંક મકાનમાં ઓચીંતી પ્રોહી રેડ પાડતાં પોલિસે મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૨૫૩ જેની કુલ કિંમત રૂ.૩૬૧૧૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત મહિલાની અટક કરી દાહોદ તાલુકા પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં નડીયાદ ખાતે વાણીયાવાડ, જલારામ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ પરષોત્તમભાઈ રાણા ગતરોજ દાહોદ શહેરના જનતા ચોક ખાતે પોતાની સાથે મીણીયાના થેલામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઉભો હતો તે સમયે ત્યાથી પસાર થતી પોલિસને શંકા જતાં તેની પાસે જઈ તેની પાસેના થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૧૬ જેની કુલ કિંમત રૂ.૨૭,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ઈસમની દાહોદ શહેર પોલિસે અટક કરી પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવ પણ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં દાહોદ શહેરના જુની આર.ટી.ઓ. કચેરી સામે રહેતા દિલનભાઈ છગનભાઈ પસાયા ગત રોજ પોતાની સાથે વિદેશી દારૂના જથ્થા સાથે શહેરના પડાવ વિસ્તાર ખાતે ઉભો હતો તે સમયે ત્યાથી પસાર થતી પોલિસને તેના ઉપર શંકા જતાં તેના થેલાઓની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૪૦૧ જેની કિંમત રૂ.૩૮,૫૪૦ના પ્રોહી જથ્થા સાથે આ વિદેશી દારૂ ભરી આપનાર દાહોદ તાલુકાના રળીયાતી ગામના રાજુભાઈ બાવનીયા વિરૂધ્ધ પણ દાહોદ શહેર પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.