આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે.. પરિસંવાદ યોજાયો : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દાહોદના આંગણે

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૨
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે… પરિસંવાદમાં હાજર પ્રગતિશીલ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આર્ત્મનિભર બનશે. પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જાેડવા આહ્વાન કર્યું છે જેને સાકાર કરવા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ઉપાડયું છે. દાહોદ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જાેડાય તે માટે અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું અત્યંત મહત્વ છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. જયારે ગૌ-મૂત્ર ખનીજાેનો ભંડાર છે. દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત અને ઘનજીવામૃત બનાવવામાં આવે છે જે કલ્ચરનું કાર્ય કરે છે અને પ્રાકૃતિક ખાતર તરીકે વાપરી શકાય છે. જીવામૃત – ઘનજીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. જે જમીનમાં રહેલા ખનીજતત્વોનું શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. જેનું શોષણ કરી છોડ પોષણ મેળવે છે. અને જમીનની ફળદ્રપતામાં વધારો થાય છે. રાજ્યપાલશ્રીએ અળસીયાને ખેડૂતોના મિત્ર ગણાવ્યા હતા. અળસીયા જમીનમાં અસંખ્ય છેદ બનાવી જમીનને નરમ બનાવે છે. જમીનમાં પૂરતો ઓક્સિજન મળે છે. અને આ છિદ્રો દ્રારા પાણી જમીનમા ઉતરતા કુદરતી રીતે જળસંચય થાય છે.
રાજ્યપાલએ જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવા માટે આચ્છાદન એટલે કે મલ્ચીંગના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, મલ્ચિંગથી જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ છે. જેનાથી પાણીની પચાસ ટકા જેટલી બચત થાય છે. નિંદામણની સમસ્યા હલ થાય છે અને અળસીયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ બની રહે છે. તેમને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં મિશ્ર પાકના મહત્વને પણ સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ પદ્ધતિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં વર્મિકંમ્પોસ્ટ બનાવવાનો ખર્ચ થાય છે. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી જેના કારણે ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે અને ખર્ચ વધવાના કારણે ઓર્ગેનિક કૃષી ખેડૂતો માટે લાભકારી નથી જયારે પ્રાકૃતિક કૃષિમાં કૃષિખર્ચ નહિંવત આવે છે. ઉત્પાદન ઘટતું નથી, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી જમીન ફળદ્રુપ બને છે અને સરવાળે ખેડૂતો માટે લાભકારી સાબિત થાય છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે , રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન દિનપ્રતિદિન ઘટતું જાય છે. આના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કંગાળ બની રહી છે. રાસાયણિક કૃષિના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. દૂષિત ખાધાન્ન આરોગવાથી લોકો કેન્સર, હ્રદયરોગ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યાં છે. રાસાયણિક કૃષિના દૂષ્પરિણામોથી બચવાનો મજબુત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનો જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. કૃષિ ખર્ચ ઘટે છે અને ઉત્પાદન પૂરતું મળવાને કારણે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પાછળ કેન્દ્ર સરકારને વર્ષે અઢી લાખ કરોડનો આર્થિક બોજ સહન કરવો પડે છે.
રાજ્યપાલશ્રીએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જાેડાય તે માટે ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કરી ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા સૌને પ્રેરિત કર્યા હતા.સાંસદ શ્રી જસંવતંસિંહ ભાભોરે પરિસંવાદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશ કૃષિ ક્ષેત્રે હરળફાળ વિકાસ કરી રહ્યો છે. દાહોદ જિલ્લો પણ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં અગ્રેસર છે. પ્રાકૃતિક કૃષિએ અત્યારના સમયની માંગ છે. જયારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકશાન થઇ રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતીએ પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વની છે.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સફળતા પૂર્વક કરી રહેલા ૯ જેટલા ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ બાબતની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ દર્શાવાઇ હતી. જે ખેડૂતોએ રસપૂર્વક નિહાળી હતી. પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મહાનુભાવો તેમજ ખેડૂતોએ મુલાકાત લીધી હતી. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ગુજરાતના રાજ્યપાલશ્રી સહિત અહીં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહ્વાન બાદ દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો છે. જિલ્લામાં અત્યારે ૧૨૫૦૦ એકરમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે. જિલ્લાના ૧૩ હજારથી વધુ કૃષિકારોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. દરેક ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાન સ્વરૂપે સઘન કામગીરી થઇ રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ પોતાના આભાર પ્રવચનમાં જણાવ્યું કે, ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી થાય એ માટે પ્રયાસો કરાઇ રહ્યાં છે ત્યારે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમથી અહીંના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: