દાહોદ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં યુવા અને ખેલ મંત્રાલય અનુદાનિત એન.એસ.એસ યુનિટ કેન્દ્રો માત્ર કાગળ ઉપર ચલાવતા હોવાની ઉઠેલી બૂમો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૬
વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન આદિજાતિના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નૈતિકતા,પ્રમાણિકતા, નેતૃત્વ અને સ્વચ્છતા જેવા જીવન  ઉપયોગી ગુણો  વિકસે તે હેતુથી ભારત સરકાર દ્વારા ૧૯૬૯/૭૦ માં રાષ્ટ્રીય સેવા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.આ યોજના સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા અનુદાનીત  છે.  જેમાં ભારત સરકાર દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થામાં નોંધાયેલા યુનિટ દીઠ  સ્વયંસેવક દીઠ સહાય આપવામાં આવે છે.હાલમાં સમગ્ર દેશમાં અંદાજિત ૪૦ લાખ જેટલા એન.એસ.એસ. યુનિટ આવેલા છે.  જેના દ્વારા તેઓના દેશ પ્રત્યે દેશભક્તિના ભાવ,સાહસિકતા, નૈતિકતા,શારીરિક અને માનસિક શક્તિમાં વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ પોતાના વિસ્તાર પ્રમાણે પારંપારિક તહેવારો અને રીતે રિવાજાેના પુનરૂથાન માટે કામગીરી કરવામાં આવે છે.પરંતુ દાહોદ જિલ્લામાં આવેલ મોટા ભાગની આદિજાતિ વિસ્તારની  શાળાઓમાં એન.એસ.એસ યુનિટ ફક્ત સરકારશ્રીની સહાય મેળવવા માટે ચાલતા હોય તેવી લોક ચર્ચા સેવાઈ રહી છે.આ યુનિટોમાં કોઈ એન.એસ.એસ ની ગાઈડ લાઈન કે હેતુને અનુલક્ષી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નહી આવતી હોવાની માહિતી સામે આવી છે. જિલ્લાની મોટાભાગની  શાળાઓમાં પ્રોગ્રામ ઓફિસર,આચાર્ય કે શાળાના સંચાલકો પોતાની મનસ્વી રીતે વહીવટ કરી આ ગ્રાન્ટ બારોબાર વાપરી નાખવાની લોક ચર્ચા સેવાઈ રહી છે.  આ વિસ્તારના વિદ્યાર્થીઓને એન.એસ.એસ યુનિટમાં કરવામાં આવતી પ્રવૃતિઓ યોગ્ય રીતે કરવામાં આવે તો આ વિસ્તારમાં પ્રસરેલા ઘણા બધા દુષણો દૂર કરી શકાય તેમ છે. આ  વિસ્તારના મોટા ભાગના યુનિટો ફક્ત કાગળ ઉપર કામગીરી કરી આદિજાતિના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી આર્થિક છેતરપિંડી કરી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પણ કોઈ પણ પ્રકારની દેખરેખ  રાખવામાં આવતી નથી જ્યારે ગુજરાત રાજ્યના વડી કચેરી અને ડી.ઇ.ઓ કચેરી દ્વારા જ્યારે  વાર્ષિક  અહેવાલ  અને ઓડિટ કરવામાં આવે છે ત્યારે અમુક રકમ લઈ બારોબાર બિલો મંજુર થઈ જતા હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળે છે.
આ વિસ્તારના શિક્ષણવિરો અને સામાજિક કાર્યકરો ઇચ્છી રહ્યા છે કે,આ કાર્યક્રમ જે ભારત સરકાર દ્વારા ચલાવાય છે તેનુ યોગ્ય સંચાલન થાય અને આમાં શાળાઓ દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર બંધ થાય તેમજ આ નાણાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તોજ આ યોજનાનો હેતુ સફળ થાય અને આદિજાતિ બાળકોને લાભ મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: