દાહોદ જિલ્લામાં પ્રાથમીક શાળાઓમાં વધતી ચોરીઓના બનાવ : ઝાલોદના પડાતીયા પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી રૂા. ૨૨ હજારની મત્તાની ચોરી કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પડાતીયા ગામે આવેલ પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી પ્રિન્ટર, સી.પી.યુ., પાવર બેટરી, સ્પીકર વિગેરે મળી કુલ રૂા. ૨૨,૧૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક મહિનાઓથી પ્રાથમીક શાળામાં ચોરીઓની ઘટનાઓ વધી રહી છે. પ્રાથમીક શાળામાં ચોરીની ઘટનાને પગલે શાળા સંચાલકોમાં ભારે રોષ પણ ફેલાયો છે. પોલીસ તંત્ર દ્વારા પણ શાળામાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી નથી ત્યારે શાળામાં ચોરીની ઘટનાઓ વધતાં પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવે લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે ત્યારે તસ્કરોએ વધુ એક શાળાને નિશાન બનાવતાં ભારે ચકચાર વ્યાપી જવા પામી છે. ઝાલોદ તાલુકાના પડાતીયા ગામે આવેલ નીચલા ફળિયા વર્ગ પ્રાથમીક શાળામાં તસ્કરોએ શાળાને નિશાન બનાવી હતી. શાળામાં પ્રવેશ કરી શાળામાંથી પ્રિન્ટર, સી.પી.યુ. પાવર બેટરી, સ્પીકર તેમજ શાળામાં મુકી રાખેલ સરસામાન મળી કુલ રૂા. ૨૨,૧૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે શાળામાં ફરજ બજાવતાં અને અરવલ્લી જિલ્લામાં રહેતાં ગીરીશભાઈ ધનજીભાઈ ખાંટે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.