અગાઉના ઝઘડાની અદાવત રાખી ૧૨ માથાભારે ઈસમોના ટોળાનું કારસ્તાન : દાહોદ શહેરમાં મધ્યરાત્રીએ ૧૨ ઈસમોએ ભેગા મળી એકને મારક હથિયારોથી માર મારતાં વિસ્તારમાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ શહેરમાં આવેલ ઝાલોદ રોડ ઓવર બ્રિજ ખાતે રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ મોટરસાઈકલો પર સવાર અને હાથમાં લાકડીઓ, લોખંડની પાઈપ જેવા મારક હથિયારો ધારણ કરી આવેલ ૧૨ જેટલા માથાભારે ઈસમો એક વ્યક્તિને અગાઉના ઝઘડાની અદાવતે હથિયારોથી જાહેરમાં માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૦૯મી ઓક્ટોમ્બરના રોજ અનિલ ઉર્ફે અનાડી અમરસીંગ પલાસ (રહે. મોટીખરજ, તા.જિ.દાહોદ), શૈલેષભાઈ પસાયા (રહે. દેલસર, તા.જિ,દાહોદ), મીક્કી ક્રિચયન (રહે. મીશન હોસ્પિટલ, દાહોદ), શન્નીભાઈ મનીયાભાઈ ભાભોર (રહે. મિશન હોસ્પિટલ, દાહોદ), દિપો બિલવાળ (રહે. જાલત, તા.જિ.દાહોદ), રાજા ગોટુ તથા તેમની સાથે અન્ય પાંચેક જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાના હાથમાં લાકડી, લોખંડની પાઈપ જેવા મારક હથિયારો ધારણ કરી મોટરસાઈકલો પર સવાર થઈ દાહોદ શહેરમાં આવેલ ઝાલોદ રોડ ઓવર બ્રિજ પાસે રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ આવ્યાં હતાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ પ્રદિપભાઈ સહદેવભાઈ માવીને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી, ઉપરોક્ત ઈસમોએ લાકડીઓ વડે તથા લોખંડની પાઈપો વડે પ્રદિપભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર માર મારી, લોહીલુહાણ કરી નાંખી જાહેરમાં માર મારતાં સ્થળ પરથી પસાર થતાં લોકોમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. ધિંગાણું મચાવી ઉપરોક્ત ઈસમો નાસી ગયાં હતાં ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત પ્રદિપભાઈને પરિવારજનો દ્વારા નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઈજાગ્રસ્ત પ્રદિપભાઈના ભાઈ પ્રવિણભાઈ સહદેવભાઈ માવીએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.