લીમખેડા કોર્ટમાં આરોપીને રજુ કર્યાં બાદ બસમાં ચઢતી વેળાએ આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થતાં જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ.તા.૨૦
લીમખેડા કોર્ટમાં રજુ કર્યા બાદ પરત સબજેલ દાહોદ મુકવા માટે લીમખેડા કોર્ટના ગેટ આગળથી બસમાં ચડતી વખતે તેના હાથમાંની હાથકડી કાઢી નાંખી દાહોદ સબજેલનો કેદી પોલિસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલિસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ જિલ્લામાં ભુતકાળમાં પણ પોલિસ જાપ્તામાંથી કેદી ભાગી ગયાના બનેલા ઘણા બનાવોને કારણે પોલિસ જાપ્તામાં ફરજ બજાવતાં કેટલાયે પોલિસ કર્મીઓ સસ્પેન્સનો ભોગ બન્યા છે ત્યારે ગઈકાલે પોલિસ જાપ્તામાંથી કેદી ભાગી ગયાનો લીમખેડા કોર્ટના ગેટ આગળ સાંજે બનેલા બનાવમાં દાહોદ સબ જેલને લીમખેડાના ચીલાકોટા ગામના જાગલા ફળિયાના અનંતભાઈ ઉર્ફે અનુકુમાર માધુભાઈ માવી નામના ૪૩૪/૨૨ નંબરના કેદીને હાથકડી પહેરાવી લીમખેડા સેસન્સ કોર્ટમાં રજુ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજુ કર્યા બાદ તેને પરત દાહોદ સબજેલમાં લાવવા લીમખેડા કોર્ટના ગેટ આગળ ઉભેલ બસમાં ચઢાવતી વખતે આરોપી અનંતભાઈ માવી તેના હાથમાં પહેરાવેલ હાથકડી કાઢી નાંખી કાયદેસરના પોલિસ જાપ્તામાંથી નાસી ગયો હતો પોલિસે તેને પકડવાની કોશીશ કરી હતી પણ પોલિસ તેમા સફળ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, પોલિસ જાપ્તામાં લઈ જવાતો કેદી પોતાના હાથમાં પહેરાવેલ હાથકડી ચાવી વગર કેવી રીતે કાઢીને ભાગી ગયો ? તે એક તપાસનો વિષય છે જાે હાથકડી એકદમ ઢીલી હોય તો જજાપ્તા પોલિસે શુ ધ્યાન આપ્યું ? અને માપની જ હાથ કડી હોય તો તે હાથકડી ખોલવા તે ચાવી ક્યાંથી લાવ્યો ? તેવા વેધક પ્રશ્નો પણ જાપ્તા પોલિસની વિશ્વનીયતા સામે ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે ઉંડી તપાસ થવી જરૂરી છે.

