દાહોદ જિલ્લામાં ૧૩૪.૪૯ કી.મી. રસ્તાઓનું સમારકામ તાબડતોબ હાથ ધરવામાં આવ્યુ
દાહોદ તા.૧૬ : આ વર્ષે દાહોદ જિલ્લામાં પાછલા ૧૦ વર્ષોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં સીઝનના ૧૦૦ ટકા થી પણ વધુ વરસાદ થયો છે. આ વર્ષે થયેલા ભારે વરસાદને પરીણામે માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતા ૭૩૫.૬૪ કિ.મી. રસ્તાઓમાંથી ૧૩૪.૪૯ કી.મી. જેટલા રસ્તાઓને નાનું મોટુ નુકશાન પહોચ્યું છે.
આ રસ્તાઓની મરામતનું કામ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે શરૂ કરી દીધું છે. દાહોદ જિલ્લાના જે રાજમાર્ગો પર સમારકામની તાત્કાલીક જરૂરત હોય તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ૯ જેટલા રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જે રસ્તાના પેચવર્ક કરવામાં આવ્યા છે તેમાં કવાંટ છોટાઉદેપુર દેવગઢ બારીયા-પીપલોદ-લીમખેડા-ચાકલીયા રોડ, લીમખેડા-લીમડી-ચાકલીયા રોડ, જેસાવાડા ધાનપુર રોડ, ઝરી અસાયડી રોડ, દાહોદ-ધામરડા-બોરડી-ટાંડા રોડ, નીમનલીયા મુવાલીયા ગડોઇ રોડ, કંદવાલ સંજેલી પીછોડા રોડ જોઇનીગ ટુ એસ એચ રોડ, લીમડી સંજેલી વાયા કરંબા રોડ (સેકટર લીમડી ટુ કરંબા), લુણાવાડા સુલયાત પીછોડા રંધીકપુર બોરવાણી દાહોદ રોડ (સેકશન સુલીયાત થી પીછોડા-સંજેલી)રોડ નો સમાવેશ થાય છે. જિલ્લાના અન્ય રસ્તાઓની સમારકામની કામગીરી પણ તાત્કાલીક હાથ ધરી પૂરી કરવામાં આવશે તેમ દાહોદના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું છે.