લીમડીના ખારવા નદીમાં મળેલ ૧૩ વર્ષીય તુષારની મોતનો ભેદ ઉકેલતી પોલીસ તુષાર પોતાના મીત્રો સાથે ખારવા નદીમાં ન્હાવા પડતાં ગબડી પડતાં મોત નીપજ્યાનું બહાર આવ્યું
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એકાદ સપ્તાહ પહેલા એક ૧૩ વર્ષીય સગીર યુવકની ગુમ થયાના બાદ અપહરણની ફરીયાદ નોંધાવા પામી હતી અને તે બાદ આ યુવકની લાશ નજીકની ખારવા નદીના તટ પાસેથી લાશ મળી આવતાં અનેક તર્ક વિતર્કાેએ જન્મ લીધો હતો. ડબગર સમાજ દ્વારા આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરતી રેલીનું પણ આયોજન કરી ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યુ હતુ. આ બાદ ઘટનાની ગંભીરતાથી નોંધ લેતા દાહોદ જિલ્લા પોલીસ વડાએ આ કેસના સત્યને સોંધી કાઢવાના આદેશો કરતાં પોલીસ કામે લાગી હતી. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરતાં સીસીટીવી કેમેરા તથા મોબાઈલ એનાલીસીસની મદદથી સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉઠવા પામ્યો છે. આ બાળક પોતાન બે મીત્રો સાથે નદીમાં ન્હાવા પડ્યો હતો અને અકસ્માતે ગબડી પડ્યો હતો અને તેને બચાવવા તેની સાથેના બે મિત્રો મદદની કોશીષ પણ કરી હતી પણ તેઓ સફળ ન થતાં અને ગભરાઈને બીજા બે મીત્રો નાસી ગયા હતા. તપાસમાં આ બાબતની સઘળી હકીકતો બહાર આવતાં પોલીસે બાળકોના વાલીઓને પોતાના બાળકોનું ધ્યાન રાખવા તેમજ તેમની દરેક એક્ટીવીટી પર ધ્યાન રાખવા સુચનો પણ કર્યા હતા.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતો ૧૩ વર્ષીય તુષાર તા.૧૨.૧૦.૨૦૧૯ના રોજ ગુમ થયા બાદ તેના પિતા દ્વારા લીમડી પોલીસ મથકે અપહરણનો ગુનો દાખલ કર્યાે હતો. એક – બે દિવસ બાદ તુષારની લાશ નજીકની ખારવા નદીના તટ પરથી મળી આવી હતી અને આ બાદ તુષારનુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવ્યો હતો જેમાં કોઝ ઓફ ડેથ ડ્યુ ટુ ડ્રોઉનીંગ જણાઈ આવેલ હતુ. આ સમગ્ર મામલે નગરમાં અનેક તર્ક વિતર્કાે વહેતા થયા હતા. આ ઘટનાના પડઘા પડતાં ડબગર સમાજ દ્વારા લીમડી નગરમાં મૌન રેલીનું આયોજન કરી ડીવાયએસપીને આવેદનપત્ર આપી આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કરી હતી. આ બાદ દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી ટીમો બનાવી હતી અને તપાસનો દોર શરૂ કર્યાે હતો. સમાજના આગેવાનોએ વ્યક્ત કરેલ શંકા કુશંકાઓ બાબતે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી જેમાં મોબાઈલ એનાલીસી તથા સીસીટીવી સર્વેલન્સ, બાળકના મિત્ર સર્કલ તથા તેના પિતા તથા પરીવારની સામાજીક બાબતે, તેના એજ્યુકેશન બ્રેકગ્રાઉન્ડ વિગેરે પાસાઓ આવરી લઈને તપાસ ટીમો કાર્યરત કરી હતી. આ દરમ્યાન સીસીટીવી એનાલીસીસ દરમ્યાન આ બાળક બનાવની તારીખે સીસીટીવીમાં તેના બે બાળ મીત્રો સાથે જણાઈ આવ્યુ હતુ. આ મીત્રો સાથે તુષાર તે નદી દેખવા તથા ન્હાવા સારૂ ગયો હતો અને ત્યા ગબડી પડ્યો હતો. નદીમાં વહેણાં ડુબવા લાગતાં તેના મીત્રોએ બચાવવાની કોશીષ પણ કરી હતી પણ તુષાર ડુબવા લાગતા અને પાણીમાં ગરકાવ થઈ પરપોટા નીકળતા તેના બંન્ને મીત્રો ગભરાઈ ભાગવા લાગ્યા હતા. તુષારના બંન્ને બાળ મીત્રોને સાથે રાખીને આ બનાવનું રીકસ્ટ્રક્શન સમાજના આગેવાનો તથા તેના વાલીઓ સાથે રહીને કરવામાં આવેલ હતા. આ બનાવ એક અકસ્માતમાં બનેલાની પુષ્ટી કરવામાં આવેલ છે તેમજ ફોરેન્સીક,મેડીકલ પુરાવાઓનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવશે અને અન્ય સાયાંગિક પુરાવાઓ મેળવવા સારૂ તપાસ જારી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ વાલીઓ સાવચેત રહે પોતાના બાળકો આવા જળાશયોમાં ન જાય તેમજ તેના રૂટીન બાબતે, તેની ટેવો બાબતે સાવચેત રહે તેવી એક સંકલિત એડવાઈઝરી જારી કરવામાં આવશે તેમજ આ વિષયે વાલીઓને જાગૃત કરવા અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે સારૂ સ્કુલો,સંસ્થાઓ ખાતે વાલી જાગૃતિક સેમીનારો પણ આયોજીત કરવામાં આવશે.

