દાહોદ જિલ્લા ચૂંટણી તંત્રને ઇવીપીમાં ૩.૫૭ મતદારોની અરજીઓ મળી

દાહોદ તા.૧૮
ભારતના ચૂંટણી પંચ દ્વારા દાહોદ જિલ્લામાં ચાલી રહેલા ઇલેકટરોલ વેરીફિકેશન પ્રોગ્રામ (ઇવીપી) અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્રને અત્યાર સુધીમાં ૩.૫૭ લાખ અરજીઓ મળી છે. જે પૈકી ૪૮૦૦ અરજીઓ મોબાઇલ એપ્લિકેશન અને ૩૫૪૫ અરજીઓ વેબ પોર્ટલના માધ્યમથી મળી છે. દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર ચકાસણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી ઉપલબ્ધ આંકડાઓ પર નજર નાખવામાં આવે તો એપ્રિલ માસથી શરૂ કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં માત્ર ૧૬૮૭ અરજીઓ મેન્યુઅલી, એટલે કે ઓફલાઇન મળી છે. તેની સામે ૧૬૨૧૨ અરજીઓ ઓનલાઇન મળી છે. તેનો મતલબ કે, તેટલા અરજદારોએ મોબાઇલ એપ્લિકેશન અથવા તો વેબપોર્ટલનો ઉપયોગ કરીને અરજી કરી છે. આ બાબત દર્શાવે છે કે નાગરિકોમાં ચૂંટણી પંચની ઓનલાઇન પદ્ધતિ વધુ પ્રચલિત બનતી જાય છે.
ઉક્ત કાર્યક્રમથી અલગ એવા ચૂંટણી પંચ દ્વારા જુલાઇ-ઓગસ્ટ માસથી શરૂ કરવામાં આવેલા ઇલેકટરોલ વેરીફિકેશન પ્રોગ્રામના આંકડાઓ પણ રસપ્રદ છે. આ કાર્યક્રમ અંતર્ગત ૯૯૭૬૭ નાગરિકોએ મતદાર સુવિધા કેન્દ્રનો ઉપયોગ કર્યો છે. જ્યારે, ૨૧૪૦૮૦ અરજદારોએ કોમન સર્વિસ સેન્ટરે અરજી કરી છે. જે પૈકી ફોર્મ નંબર ૮, એટલે કે મતદાર યાદીમાં પોતાના નામ, ફોટો સહિતની વિગતોમાં સુધારા વધારા કરાવવા માટે ૧૨૧૯૯ નાગરિકોએ અરજી કરી છે. તેમાંથી ૩૨૦૮ અરજીઓ નામ સુધારણા માટે, ૪૬૭૧ અરજીઓ જન્મ તારીખ સુધારા માટે, ૨૮૧૫ અરજી તસવીર સુધારણા માટે આવી છે.
નામ સુધારણા માટેની અરજીઓમાં મોટા ભાગની અરજીઓ ભાષાદોષ, લગ્ન પછી મહિલાઓની અટકમાં ફેરફાર માટેની છે. જ્યારે, જન્મ તારીખમાં આંકડાકીય દોષ સુધારવા માટેની અરજીઓ કરવામાં આવી છે. હવે, ચૂંટણી પંચ દ્વારા રંગીન મતદાર ઓળખપત્ર આપવામાં આવતા હોવાથી પોતાના ઓળખપત્રમાં રંગીન તસવીર મૂકવા માટે પણ અરજીઓ થઇ રહી છે. કુલ મતદારોની સાપેક્ષે આવી સૌથી વધુ ગરબાડા મતવિસ્તારમાં ૭૯૬૩૦ અરજીઓ થઇ છે.
સમગ્ર જિલ્લામાં એક મહત્વપૂર્ણ બાબત પણ ચૂંટણી તંત્રના ધ્યાને આવી છે કે, અરજી કરતી વખતે યોગ્ય આધારપૂરાવા ન રજૂ કરવાના કારણે અરજીઓ નામંજૂર કરવામાં આવે છે, આવી ૧૨૭૨૫ અરજીઓ ઇલેકટરોલ વેરીફિકેશન પ્રોગ્રામમાં નામંજૂર થઇ છે. તેની પાછળ મુખ્ય કારણો પણ રસપ્રદ છે. જેમ કે, તસવીર સુધારા માટે ઓનલાઇન અરજી કરી હોય પણ નવી તસવીર જ અપલોડ ના કરી હોય !! રહેણાંકના પુરાવા માટે રાશનકાર્ડ આપ્યું હોય પણ, રાશનકાર્ડમાં અરજદારનું નામ જ ન હોય !!
સાથે જોડવામાં આવેલા આધારપૂરવા અને અરજીમાં નામ મિસમેચ થતું હોય ! જન્મ તારીખનો નિયમ મુજબનો પૂરાવો ન હોય ! વિશેષ બાબત તો નામ કમી કરવાની બાબતોમાં મૃતક મતદારનું માન્ય ડેથ સર્ટિફિકેટ જોડવામાં આવતું નથી. અરજીઓ નામંજૂર થવાના કિસ્સામાં આવા કિસ્સા મહત્તમ છે. વળી, ચૂંટણી તંત્ર દ્વારા નામ કમી કરવાની બાબતમાં વિશેષ તકેદારી રાખવામાં આવે છે.
એક મજાની વાત તો એ છે કે ચૂંટણી પંચને મળતી ઓનલાઇન ફરિયાદો દાહોદ જિલ્લા ચૂંટણી તંત્રને તબદીલ કરીને સતત મોનિટરિંગ કરવામાં આવે છે. આ ફરિયાદોમાં અરજદારનો મોબાઇલ નંબર પણ હોય છે. તેના પર જ્યારે, સ્થાનિક અધિકારી ફોન કરીને વિગતો પૂછે તો ફરિયાદકર્તા એવું કહે છે કે, ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશનમાં ભૂલથી ફરિયાદ થઇ ગઇ છે ! દાહોદ જિલ્લામાં આવી ફરિયાદોનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે, ઓનલાઇન અરજી કરતી વખતે જ્યાં અરજદારને સમજ ના પડે ત્યાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા જોઇ અરજી કરે તે હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: