દાહોદ જિલ્લામાં ઓબ્ઝવર્સશ્રીઓની ઉપસ્થિતિમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
દાહોદ જિલ્લામાં ઓબ્ઝવર્સશ્રીઓની ઉપસ્થિતિમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
દાહોદ, તા. ૧૮ : વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં ઓબ્ઝવર્સશ્રીઓની ઉપસ્થિતિમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ વિશે ઓબ્ઝવર્સશ્રીઓને વિગતવાર માહિતી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ જિલ્લામાં ચૂંટણી સંદર્ભે સઘન સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી આપી હતી.
જિલ્લા સેવા સદન ખાતે ગત રોજ યોજાયેલી બેઠકમાં જનરલ ઓબ્ઝવર્સ શ્રી રીષિરેન્દ્ર કુમાર, શ્રી સચીન્દ્ર પ્રતાપસિંહ, શ્રી સુનીલ શર્મા તેમજ એક્સપેન્ડીચર ઓબ્ઝવર્સ શ્રી મૃત્યુજંય સૈની, શ્રી લવીશ શૈલી અને પોલીસ ઓબ્ઝવર્સ શ્રી સતીષ કુમાર ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
જિલ્લામાં સંવેદનશીલ બુથ મથકો, ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારો, રોજગારી માટે સ્થળાંતર કરનારા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવા તેમણે સૂચન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે વિગતે માહિતી આપી હતી. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો ખાતેની સુરક્ષા વ્યવસ્થા, પોલીસ દ્વારા ફૂટ માર્ચ, સઘન ચેકીગ તેમજ મતદાન મથકોના લાઇવ વેબકાસ્ટીંગ સહિતની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આપી હતી.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વી.આઇ. પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.