દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનેલા ચાર બનાવોમાં એકનું મોત નીપજ્યું : પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનાવોમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાંનું જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદમાંથી પસાર થતાં સંતરામપુર રોડ ખાતે ગત તા.૧૯મી નવેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે રહેતો વિજયભાઈ માનસીંગભાઈ મકવાણા અને તેની સાથે સુખદેવભાઈ અમિરચંદભાઈ ડામોર એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થી ઝાલોદમાંથી પસાર થતાં સંતરામપુર રોડ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે વિજયભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નજીકમાં આવેલ પીલ્લર સાથે ધડાકાભેર મોટરસાઈકલ અથડાવતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે પાછળ બેઠેલ સુખદેવભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચડતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે વિજયભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે પીપળી ફળિયામાં રહેતાં નંદુભાઈ અમિરચંદભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૨મી નવેમ્બરના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે સામેથી મોટરસાઈકલ લઈ આવી રહેલ હિતેશભાઈ ઉદેસિંગ વાકળા (રહે. મોટી સારસી, હનુમાન ફળિયું, તા. જિ.દાહોદ) નાની મોટરસાઈકલ સાથે અથડાવતાં હિતેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત હિતેશભાઈ ઉદેસિંગ વાકળા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૮મી નવેમ્બરના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પીપલોદ ગામે ટાંડી ફળિયા, ગોધરા રોડ ખાતે રહેતાં હિરેનકુમાર ગણેશભાઈને અડફેટમાં લેતાં હિરેનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે પીપલોદ ગામે ટાંડી ફળિયા, ગોધરા રોડ ખાતે રહેતાં છત્રસીંગભાઈ સોનાભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ચોથો બનાવ લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૯મી ઓક્ટોમ્બરના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી મોટરસાઈકલ લઈ આવી રહેલ વિરસીંગભાઈ લાલસીંગભાઈ ભુરીયા (રહે.પીપળી, નિશાળ ફળિયું, તા.જિ. દાહોદ) નાને અને તેમની સાથે ધીરૂભાઈ લલ્લુભાઈ મુનીયાનાઓને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં બંન્ને વ્યક્તિઓને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે પીપળી ગામે નિશાળ ફળિયામાં રહેતાં સરદારભાઈ વિરસીંગભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.