દાહોદ જિલ્લાના આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ-સલામતી સાથે ચૂંટણીઓ યોજાઇ એ માટે બેઠક યોજાઇ
દાહોદ તા. ૨૧
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ, સલામતી અને પારદર્શકતા સાથે ચૂંટણી યોજાઇ એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અધિકારીશ્રીઓને જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઇ એ માટે સહયોગ કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ સરહદી વિસ્તારોમાં શાંતિ બની રહે માટે ઉપસ્થિત પોલીસ અધિકારીઓને સહયોગ આપવા જણાવ્યું હતું. જેમાં નામચીન આરોપીઓને ઝડપવા, હથિયારના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવા સહિતની બાબતોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઇ એ માટે સહયોગ આપવા માટે સહમતી દર્શાવી હતી.
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.