દાહોદ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક સંપન્ન
દાહોદ, તા. ૧૯
કલેક્ટર કચેરી ખાતે દાહોદ જિલ્લાના તમામ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ સાથેની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ નિષ્ડા અને ખંતપૂર્વક જનહિતના કાર્યો કરી દાહોદ જિલ્લાને આગળ લાવવા પ્રેરક સૂચન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ એકબીજાના સહયોગમાં રહીને જિલ્લાના વિકાસને કેન્દ્રમાં રાખીને પારદર્શકતા સાથે ફરજ નિભાવવી જોઇએ.
સંકલન સમિતિની બેઠકમાં તેમણે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીનું વિશ્લેષણ કર્યુ હતું અને ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવેલા લક્ષ્ય મુજબ કામગીરી કરવામાં આવી છે કે નહી તેની આંકડાકીય માહિતી સહિત સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું. સરકારી યોજનાઓનો તેના સાચા લાભાર્થીને સમયમર્યાદામાં લાભ મળે તે રીતની વ્યવસ્થા ઊભી કરવા તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે, જિલ્લા આયોજન અધિકારી શ્રી ગેલાત સહિતના સંકલન સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

