મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયા વાળા વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરી શકાશે નહીં
સિંધુ ઉદય
દાહોદ, તા. ૨૫ : દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને જિલ્લામાં આગામી તા. ૫ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે ત્યારે જિલ્લામાં આચાર સંહિતાનું ચુસ્ત પાલન થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે કેટલાંક આદેશો કર્યા છે.
તદ્દનુસાર, દાહોદ જિલ્લામાં તા. ૫ ડિસેમ્બર એટલે કે મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયા વાળા વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરવો નહી કે પક્ષ/ઉમેદવારના ચૂંટણીના ચિન્હો દર્શાવી શકાશે નહી. નિર્ધારિત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયાવાળા વિસ્તારની અંદર, ચૂંટણી પંચની સુચના અનુસાર છપાયેલ હોય તે સિવાયની કોઇ પણ ચૂંટણી ઉમેદવાર કે કોઇ પણ પક્ષની વિગતો દર્શાવતી બિનઅધિકૃત કાપલીઓનું મતદારોને વિતરણ કરવું નહીં.
હરીફ ઉમેદવાર, તેમના એજન્ટ અને કાર્યકરના ઉપયોગ સારૂં, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયાવાળા વિસ્તારથી દુર એક ટેબલ અને બે ખુરશીઓથી વધારે ફર્નિચર ગોઠવવું નહી. મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયાવાળા વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ તેમજ વાહનોએ અવર જવર કરવી નહી.
આ આદેશ ચૂંટણી ઉપરના ફરજ ઉપરના અધિકારીઓ, કર્મચારીઓ, ફરજ પરના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, મતદાન કરવા આવેલા મતદારો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવારના એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ ને લાગુ પડશે નહી. આ જાહેરનામું તા. ૨૩ નવેમ્બરથી આગામી તા. ૧૦ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.