કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ખેડૂતોને પોતાના ઘરે બોલાવી જીવામૃત કૃષિ પદ્ધતિની સમજ આપી

ઝીરો બજેટ ખેતી થકી ખેડૂતો દ્વારા કૃષિકારોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પ પ્રત્યે દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક નવતર કદમ ઉઠાવ્યું છે. તેમણે દાહોદ જિલ્લામાંથી કુલ ૫૨ ખેડૂતોને પોતાના આવાસ ઉપર બોલાવી તેમને સંપૂર્ણ ઓર્ગેનિક કૃષિ પદ્ધતિ અંગે સમજ આપી હતી. આ ખેડૂતોને સુભાષ પાલેકર દ્વારા સંવર્ધિત જીવામૃત બનાવવાની રીતની સમજ આપવામાં આવી હતી. ખેડૂતો સાથે ગોષ્ઠિમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટરશ્રી પણ જોડાયા હતા.
જીવામૃત એવું કુદરતી રાસાયણ છે કે જેના ઉપયોગથી કૃષિમાં કોઇ પણ પ્રકારની રસાણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી. ઘર આસપાસ રહેલા વૃક્ષો અને વસ્તુઓના ઉપયોગથી જ જીવામૃત બનાવી શકાય છે. ખેતી પાકોમાં થતાં રોગો તથા કિટકો સામે રક્ષણ આપતા જીવાણુને વિકસાવવામાં આવે છે.
કલેક્ટર શ્રી ખરાડીના નિવાસ સ્થાને થયેલી ગોષ્ઠિમાં જોડાયેલા ૧૭ મહિલા સહિત ૫૨ ખેડૂતોને સમજ આપવામાં આવી હતી કે, દેશી ગોળ, ગૌ મૂત્ર, ગાયનું છાણ, વડની માટી, ચણા કે અન્ય કઠોણનો લોટના ઉપયોગની દેશી ખાતર બનાવી શકાય છે.
જ્યારે, ગૌ મૂત્ર, કડવા લીમડા, કરંજ, એરંડા, આંકડા, ધતુરા અને સીતાફળના પાનના ઉપયોગની પાકમાં છંટકાવની દવા કેવી રીતે બનાવી શકાય ? તેનું નિદર્શન કરી ખેડૂતોને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જીવામૃતના ફાયદા, તેના ઉપયોગની પદ્ધતિ, મિશ્રણ પ્રમાણ સહિતની સમજ ખેડૂતોને સરળ ભાષામાં આપવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, કૃષિમાં રાસાણિક ખાતર અને દવાના અતિરેકથી જમીન અને તેમાંથી ઉપજનારા પાકને ખાનાર લોકોને નુકસાન થઇ રહ્યું છે. એટલે, હવે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરવાની આ સમયમાં ખૂબ જ જરૂરી છે. જે એકદમ સરળ, બિનનુકસાનકર્તા છે. તેમણે ખેડૂતોને જીવામૃત ખેતી પદ્ધતિ અપનાવવા અપીલ પણ કરી હતી. તેમની સાથે ખેતીવાડી ખાતાના અધિકારી શ્રી રાઠવા તથા શ્રી સુથાર પણ જોડાયા હતા.
અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, દાહોદ જિલ્લાના કોઇ પણ ખેડૂત જીવામૃત કૃષિ વિશે માહિતી અથવા તો તાલીમ લેવા ઇચ્છતા હોય તો તે ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટનો સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: