ડિજિટલ યુગમાં મતદાતાઓને ઉપયોગી બને એવી વિવિધ મોબાઇલ એપ
સિંધુ ઉદય
સમય સાથે કદમ મિલાવી મતદારોને આંગળીના ટેરવે સુવિધા આપતું ચૂંટણી તંત્ર
દાહોદ, તા. ૧ : દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે આગામી તા. ૫ ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે ત્યારે જિલ્લાના મતદાતાઓને આ મોબાઇલ એપ ઘણી ઉપયોગી થઇ રહેશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાતાઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યાં છે અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં મતદાતાઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે આ સરળ મોબાઇલ એપ પણ મતદાતાઓને અતિઉપયોગી થઇ રહેશે.
PWD APP : PwD-Personal with Disablility મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ઉપયોગી માહિતી મળી શકશે. દિવ્યાંગ મતદારો પોતાના ઉપયોગ માટે વ્હિલચેરની વિનંતી કરી શકશે.
Voter Helpline Application (VHA) લોન્ચ કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન દ્વારા મતદારો પોતાનું નામ સર્ચ કરી શકે છે, ઉમેદવારો વિશે માહિતી મેળવી શકે છે, ફરિયાદ કરી શકે છે અને મતદાર યાદી સંબંધિત મદદ મેળવી શકે છે.
Know Your Candidate (KYC) એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ મોબાઈલ એપ પર તમામ ઉમેદવારોની તમામ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઉમેદવારોની એફિડેવિટ્સ અને ગુનાઈત માહિતી હશે તો તે પણ ઉપલબ્ધ કરાવાશે.
c-VIGIL મોબાઈલ એપ્લિકેશન: સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે c-VIGIL મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને તે દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો ૧૦૦ મિનીટમાં નિકાલ કરવામાં આવે છે.