દાહોદના સરકારી અધિકારીઓ આશ્રમ શાળાના બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચશે
દીપાવલી એટલે આનંદપ્રદ પ્રકાશનું પર્વ. વિશેષતઃ બાળકો માટે તો જાણે દિવાળી એટલે મોજનો મહાસાગર. પણ, કેટલાક બાળકો એવા હોય છે, જેમના સુધી આર્થિક અસક્ષમતાને કારણે દિવાળીના ઉલ્લાસનો પ્રકાશ પહોંચી શકતો નથી. દાહોદ જિલ્લામાં પણ આવા બાળકો છે. પરંતુ, દાહોદ જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોના કારણે આ વખતની દિવાળી તેમના માટે વિશેષ બની રહેવાની છે. કારણ કે, રાજ્ય સરકારની દાહોદમાં આવેલી કચેરીઓના તમામ અધિકારીઓ જિલ્લામાં આવેલી આશ્રમ શાળામાં અભ્યાસરત બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. આ સપરમા દિવસોમાં આપણે પણ શા માટે કોઇ ગરીબ બાળકોના આનંદ-ઉલ્લાસનું કારણ ન બની શકીએ ?
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ વખતના દીપાવલી પર્વની ઉજવણી માટે એક નૂતન પહેલ કરી છે. ગરીબ બાળકો પણ નવા વર્ષની ઉજવણી ઉમંગ અને ઉત્સાહના માહોલમાં કરી શકે એ માટે જિલ્લાના અધિકારીઓને અપીલ કરી. તેમણે આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવાનું અધિકારીઓને સૂચન કર્યું. જેને અધિકારીઓએ સહર્ષ વધાવી લીધું.
બાળકો માટે દિવાળીના પર્વમાં નવા વસ્ત્રો પહેરવા અને મીઠાઇ આરોગવી એ મજાનું કામ હોય છે. એટલે, જિલ્લાના તમામ અધિકારીઓ બાળકો માટે નવા વસ્ત્રો, મીઠાઇ, પગરખા જેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે જઇ જવાના છે અને તે પણ સ્વખર્ચે. બાલસેવાનું આ કાર્ય સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. એટલે જ તેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. કારણ કે, ખુશીઓ વહેંચવાથી વધે છે.
દાહોદ જિલ્લામાં વર્તમાન સમયે ધોરણ એકથી આઠની કુલ ૫૪ આશ્રમ શાળા કાર્યરત છે. જેમાં ૮૩૨૯ બાળકો અભ્યાસ કરે છે. એ જ પ્રકારે ૧૬ ઉત્તર બુનિયાદી શાળામાં ૩૩૭૮ બાળકો અભ્યાસ કરે છે. જિલ્લા વહીવટી તંત્રની આ પહેલમાં આ તમામ બાળકો વચ્ચે દિવાળીનો આનંદ વહેંચવાનો સ્તુત્ય પ્રયાસ છે.
દાહોદ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ ઉપરાંત નગરશ્રેષ્ઠીઓ આ ઉમદા કાર્યમાં જોડાઇ ચૂક્યા છે. દાહોદ જિલ્લામાં સેવાકાર્ય કરતી સામાજિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ દીપાવલી પર્વની ખુશીઓ બાળકો સાથે વહેંચવાના કાર્યમાં સહભાગી બનવા કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા અપીલ કરવામાં આવી છે. એટલે જ કોઇએ ખુબ જ સરસ કહ્યું છે કે, પંછી પાની સે ના ઘટે સરીતા નીર, ધરમ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર ! આપણી પાસે જે છે એમાં વંચિત બાળકોને સહભાગી બનાવવાનો અવસર છે. ગરીબ બાળકોના ઉમંગનું કારણ બનવાનું આ પર્વ છે.