જિલ્લા ચુંટણી અધિકારીએ વિવિધ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી
નરેશ ગનવાણી- બ્યુરોચિફ્ ખેડા
ખેડા જિલ્લાની ૬ વિધાનસભા બેઠકોના મતદાન માટે જિલ્લાના ૦૬ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ઈ.વી.એમ. વીવીપેટ સાથે સજ્જ થઇ ચૂંટણી સ્ટાફ ફરજ પર જવા રવાના
જિલ્લાની ૬ વિધાનસભાના ૧૬,૦૦,૯૨૫ મતદારો આજે ૪૪ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
૩૯૦૦૦ યુવા મતદારો પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
ખેડા જિલ્લાની ૬ વિધાનસભાની સામાન્ય ચુંટણીનું મતદાન તા.0૫ ડિસેમ્બરના રોજ થનાર છે ત્યારે વિધાનસભાઓના રિસિવીંગ એન્ડ ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો મતદાન માટેની ઈ.વી.એમ. વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન-સામગ્રી લઈને પોતપોતાના ફરજના મતદાન મથકે પહોંચી ગયા છે.
આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.એલ બચાણીએ તમામ વિઘાનસભા મતવિસ્તારના ઈ.વી.એમ. ડિસ્પેચ સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરીને જે-તે વિધાનસભાના ચુંટણી અધિકારીઓ, મદદનીશ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લાની ૬ વિધાનસભાઓમાં ૮,૧૬,૩૮૮ પુરૂષ મતદારો તથા ૭,૮૪,૫૯૪ મહિલા મતદારો તથા ૮૭ અન્ય મતદારો મળી કુલ ૧૬,૦૦,૯૨૫ જેટલા મતદારોના મતથી ૪૪ ઉમેદવારોનું ભાવિ સીલ થશે. જિલ્લામાં ૧૭૪૪ મતદાન મથકો પર મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
મતદાનના દિવસે દરેક મતદાન મથક પર સવારે ૭-૦૦ વાગે મોક પોલિંગ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૮-૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચાલશે. દરેક મતદાન મથકે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ૮૭૨ મતદાન મથકો પર પર લાઈવ મોનીટરીંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. જેની મદદથી જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાન પ્રક્રિયાનું સતત મોનીટરીંગ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ઈવીએમ મશીનોનું ટ્રેકિંગ અને જિલ્લાકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ૩૯૦૦૦ જેટલા યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી ચુંટણીતંત્ર દ્વારા વિધાનસભાદીઠ એક-એક મોડેલ, એક-એક દિવ્યાંગ મતદાન મથકો, એક-એક ઈકોફ્રેન્ડલી મતદાન મથકો, ૪૨ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં ૭૫ મતદાન મથકો પર ૬૦ વર્ષથી વધુ વયના તથા દિવ્યાંગ મતદારો માટે મતદાન કર્યા બાદ હેલ્થ ચેક-અપની વિશિષ્ટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લોકશાહીના આ પાવન અવસરે મતદાન માટે જિલ્લાના નાગરિકોને મિત્રો અને પરિવારજનો સાથે પોતાનો પવિત્ર મત આપી, લોકતંત્રના સશક્તિકરણમાં અમૂલ્ય યોગદાન આપવા કલેક્ટરએ અપીલ કરી હતી.