દાહોદ શહેરમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ નગરજનોએ સહકુટુંબ આવીને વિવિધ સેવાઓનો લાભ લીધો
દાહોદ, તા. ૨૪ : દાહોદ નગરના ગોદી રોડ પર આવેલા અગ્રસેન ભવન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગર પાલિકા પ્રમુખ શ્રી અભિષેક મેડાએ નગરજનો માટે સવારે ૯ વાગે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને નગરજનોને વિવિધ સરકારી સેવાઓનો મહત્તમ લાભ લેવા વિનંતી કરી હતી.
દાહોદ નગરના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઘર આંગણે સરકારી સેવાનો લાભ લેવા માટે ઉમટી પડયા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં એક સાથે ૫૭ પ્રકારની વિવિધ સેવાઓનો એક જ જગ્યાએ પારદર્શક રીતે લાભ આપવામાં આવતો હોય નાગરિકોએ સહકુટુંબ આવી સરકારી સેવાઓનો લાભ લીધો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં ગોદી રોડ વિસ્તારમાં રહેતા ભગવાનભાઇ મોચી પોતાના ધર્મપત્ની પાર્વતીબેન અને દીકરા, પુત્રવધૂ અને પૌત્રી સાથે મા અમૃત્તમ યોજનાનું કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા. જે તેમને જરૂરી સરકારી પ્રકીયા બાદ ૧૦ જ મિનિટમાં તાત્કાલીક કાઢી આપવામાં આવ્યું હતું. ભગવાનભાઇએ આ ઉપરાંત પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજનાનો પણ લાભ લીધો હતો. આમ એક જ જગ્યાએ જન્મ મરણના પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, વૃદ્ધ પેન્શન યોજના,આધાર કાર્ડ, રેશન કાર્ડમાં સુધારો નવા નામ દાખલ કરવા જેવી એક થી વધુ સેવાઓનો નાગરિકોએ મોટા પાયે લાભ લીધો હતો.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેનો પણ નાગરિકોએ મોટા પાયે લાભ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા દાહોદ નગરપાલિકા ચીફ ઓફીસર એ.એચ. સિન્હા અને નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.