દાહોદ શહેરના ભરચક એવા એમ.જી. રોડ ખાતે એક સાથે ત્રણ દુકાનોના તાળા તુટતાં દાહોદ શહેરમાં ખળભળાટ
નીલ ડોડીયાર ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ શહેરના ભરચક એવા એમ.જી. રોડ ખાતે એક સાથે ત્રણ દુકાનોના તાળા તુટતાં દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તસ્કરોએ બે દુકાનોમાંથી ૫૦ હજાર ઉપરાંતની રોકડ રકમ ચોરી કરી તેમજ એક દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યાે હતો. આ ત્રણ દુકાનોની થોડેજ દુર પોલીસ ચોકી પણ આવેલ છે ત્યારે રાત્રીના સમયે પોલીસ ચોકીની બીલકુલ નજીકમાં આવેલ આ ત્રણ દુકાનો તાળા તુટતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે.
દાહોદ શહેરના એમ.જી.રોડ ખાતે આવેલ મહંમદભાઈ, નુરૂદ્દીન ઝાબુઆવાલા અને હાતીમભાઈની દુકાનોમાં ગતરોજ રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ દુકાનમાં આવેલ બાકોરમાંથી પ્રવેશ કર્યાે હતો અને મહંમદભાઈ અને નુરૂદ્દીનભાઈની દુકાનમાંથી રોકડા રૂપીયા ૫૦ હજાર ઉપરાંતની ચોરી કરી તસ્કરોએ બાજુમાં આવેલ હાતીમભાઈની દુકાનમાં પણ પ્રવેશ કર્યાે હતો પરંતુ ત્યાં ચોરી કરવામાં તસ્કરો નિષ્ફળ રહ્યાં હતાં ત્યારે વહેલી સવાર ઉપરોક્ત ત્રણેય દુકાનદારો પોતપોતાની દુકાનો પર વહેલી સવારે આવતાં અને પોતાની દુકાનોમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતાં સ્થાનીક પોલીસને આ મામલે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનીક પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી જેમાં ત્રણેક જેટલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયાં હતાં પરંતુ તસ્કરોએ ત્યાર બાદ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને બીજા દુકાનોના સીસીટીવી કેમેરા ફેરવી દીધાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનામાં આ વિસ્તારમાં એક નજીકમાં પોલીસ ચોકી પણ આવેલ છે. પોલીસ ચોકી વિસ્તારમાંજ અને ચોવીસે કલાક ભરચક અને સતત અવર જવરવાળા વિસ્તારમાંજ દુકાનોના તાળા તુટતા સ્થાનીક પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે ત્યારે સમગ્ર મામલે પોલીસે આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.