દાહોદ શહેરમાં જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનીક પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી
જીજ્ઞેશ બારીયા
દાહોદ તા.૧૯
દાહોદ શહેરમાં જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનીક પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ટ્રાફિકને અડચણ રૂપ એવા વાહનોને ટોઈંગ કરવાની તેમજ કબજે કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. શહેરમાં બે ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી જેમાં પડાવ વિસ્તારથી લઈ સ્ટેશન રોડ સુધી પાર્કિંગ બહાર પાર્ક કરેલા વાહનો ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી સ્થળ પરજ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
દાહોદ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાથી સૌ કોઈ હેરાન પરેશાન છે. વાહન ચાલકો દ્વારા પોતાના વાહનો પાર્કિંગવાળા સ્થળોથી બહાર પાર્ક કરી લેતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા તેમજ તેમજ રસ્તાની વચ્ચે વાહનો પાર્ક કરતાં વાહન ચાલકો સામે જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનીક પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ દાહોદ શહેરમાં બે ટીમો ખડકી દેવામાં આવી હતી. એક ટીમ પડાવ વિસ્તારમાં તેમજ અન્ય એક ટીમે સ્ટેશન રોડ ખાતે કાર્યવાહી કરી હતી જેમાં પાર્કિંગના સ્થળોની બહાર તેમજ રસ્તાની વચ્ચે પાર્ક કરેલ વાહનો જેમાં મોટરસાઈકલો તેમજ ફોર વ્હીલર ગાડીઓના ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન ચાલકોને સ્થળ પરજ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને ઘણા વાહનોને ટોઈંગ કરી પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યાં હતાં શહેરમાં પુનઃ પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.