ડુંગર ગામના બાળકો રવીના અને અરુણની ખરા અર્થમાં વાલી બનતી રાજ્ય સરકાર

દાહોદ તા.૧૩
મધમીઠા આ બે નામો દાહોદના વનવિસ્તારમાં આવેલા ડુંગર ગામના ફળિયા વિસ્તારના ભાઇબહેનના છે. કૂમળીવયના આ ભાઇબહેન ઘરના આંગણમાં રમે છે, કિલ્લોલ કરે છે. પણ, તેના ચહેરાના સ્મીત પાછળ એક દર્દ રહેલું છે. આ દર્દ છે અનાથપણાનું ! જે હવે ઓસરી રહ્યું છે, કાકા-કાકીની સ્નેહસભર હૂંફ અને રાજ્ય સરકારની સહાયથી !
માતાપિતા પરિવારનો આધારસ્તંભ હોય છે. ખાસ કરીને બાળકના લાલનપાલનની તમામ પ્રવૃત્તિ માતાની જ આસપાસ કેન્દ્રિત હોય છે. પણ, પિતાનું મૃત્યું થાય અને જ્યારે માતાના પુનર્લગ્ન થતાં છોડી જતી રહે ત્યારે બાળકોની હાલત કફોડી થઇ જતી હોય છે. આવું જ કંઇક નવ વર્ષની રવીના અને સાત વર્ષીય અરુણ સાથે બન્યું. અનાથ બાળકોએ બહુ નાની વયે જ દુનિયા જોઇ લીધી હોય છે. અનાથ બાળકોનું જીવન પણ બહુ સંઘર્ષમય હોય છે. પરંતુ, જો આવા બાળકને અન્ય પરિજનોની હૂંફ મળે તો તે બાળક સમાજમાં સારી રીતે પુનઃસ્થાપિત થઇ શકતા હોય છે.
રવીના અને અરુણના પિતા વાલજીભાઇ અખમભાઇ તાવિયાડનું વર્ષ ૨૦૧૪માં ટૂંકી બિમારી સબબ મૃત્યું થયું. તેમની માતા કાંતાબેન સમાજના રીતિરીવાજ મુજબ બાળકો સાથે પોતાના પીયર જતાં રહ્યા. પીયર ગયા બાદ પરિવારજનોની રાજીખુશીથી કાંતાબેનના પુનર્લગ્ન કરવામાં આવ્યા. હવે, માતાના લગ્ન બાદ રવીના અને અરુણનું બચપન અને શિક્ષણ પ્રત્યે પ્રશ્નાર્થ ઉભો થયો. આવા કપરા સંજોગોમાં આ બાળકોના કાકા ભરતભાઇ તાવિયાડ તેમના વહારે આવ્યા !
ઉચ્ચાભ્યાસ કર્યા બાદ ભરતભાઇ શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમણે મનમાં ગાંઠ વાળી કે, આ બાળકોનું લાલનપાલન કરી તેમનું ભાવિ ઉજળું બનાવવું. આ સંકલ્પમાં તેમની પત્ની શ્રીમતી ઊમિયાબેનનો સહયોગ મળ્યો. ભરતભાઇએ કાનૂની સંઘર્ષ કરીને બન્ને બાળકોનું વાલીપણું મેળવ્યું. રવીના અને અરુણ ભરતભાઇના પોતાના બાળકો યોગિતા, ક્રિષ્ના અને તન્વી સાથે હળીમળી ગયા. દાદી પણ સંભાળ લેવા લાગ્યા.
એવા ભરતભાઇની જાણમાં આવ્યું કે, રાજ્ય સરકારની પાલકમાતા પિતાની યોજના હેઠળ પ્રતિ બાળક દીઠ રૂ. ૩૦૦૦ની સહાય મળે છે. એમણે દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમમાં આ માટે અરજી કરી. તેમાં બેંક ખાતાની જરૂર હતી. પણ, વાલીની સહી વીના બેંક ખાતું ખૂલે એમ નહોતું. એટલે, ફરી કોર્ટમાંથી ઓર્ડર લાવી બેંક ખાતું ખોલવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા આ સહાય મંજૂર કરવામાં આવી.
ભરતભાઇ કહે છે, અમને સહાય મળતા હવે આ બાળકોની હું સારી રીતે સારસંભાળ રાખી શકું છું. આ બાળકોને સારૂ શિક્ષણ મળે એટલા માટે તેમને મેં ફતેપુરાની ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે મૂક્યા છે. રવીના અને અરુણ માટે રાજ્ય સરકાર પણ વાલી બની છે.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ તાવિયાડ કહે છે, દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૩માં યોજના શરૂ થઇ ત્યારે, માત્ર બે જ લાભાર્થી હતા. આજે ૨૦૧૯માં આ યોજનાના ૪૫૦ જેટલા લાભાર્થી બાળકો છે. રાજ્ય સરકારે એ સંવેદનાસભર નિર્ણય લઇ માતાના પુનર્લગ્ન થાય તો પણ સહાય આપવાનું નિયત કરતા અનેક બાળકોને તેનો લાભ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: