પરવાના વીના ખાતર વેચતા વિક્રેતાને ખેતીવાડી વિભાગ દ્વારા નોટિસ
દાહોદ તા.૧૩
સિંગવડ તાલુકાના તારમી ગામે ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન એક વિક્રેતા દ્વારા કોઇ પણ પરવાના વીના ખાતર વેંચાણ થતું હોવાનું માલૂમ પડતા તેને નોટિસ આપવામાં આવી છે.
નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની એક યાદીમાં જાણ કરવામાં આવી છે કે, તારમી ગામે ખેતી અધિકારી શ્રી મયંક ચૌહાણ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે, હેલ્ધી કૃષિ ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખેડૂતોને રૂ. ૭૦૦ પ્રતિ ૫૦ કિલોના ભાવથી સરદાર બ્રાંડનું ખાતર ખેડૂતોને સીધુ ઘરે વેંચાણ કરવામાં આવતું હતું. પરવાના વીના ખેડૂતોને ખાતરનું વેચાણ કરી શકાતું નથી. એથી, આ વિક્રેતાને એફસીઓ ૧૯૮૫ અને અન્ય જોગવાઇઓ મુજબ નોટિસ આપવામાં આવી છે.
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પરવાનાધારક વિક્રેતાઓ પાસેથી જ ખાતરની ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત, પરવાના વગર ખાતરનું વેંચાણ થતું હોય તો ખેતીવાડી વિભાગને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.