દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ હીટ એન્ડ રનની બનેલી બે ઘટનામાં બે જણાના મોત નિપજ્યાનું તેમજ ચાર મહિલા સહિત પાંચ જણાને ગંભીર

રિપોટર – નીલ ડોડીયાર

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ હીટ એન્ડ રનની બનેલી બે ઘટનામાં બે જણાના મોત નિપજ્યાનું તેમજ ચાર મહિલા સહિત પાંચ જણાને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં હીટ એન્ડ રનની બનેલી બે ઘટનાઓ પૈકીની એક ઘટના દેવગઢ બારીઆ તાલુકાના કોળીના પુવાડા ગામે સવારે દશ વાગ્યે બનવા પામી હતી જેમાં એક છકડા ચાલક તેના કબજાના અતુલ કંપનીના જીજે-૧૭ વીવી-૩૧૮૭ નંબરના છકડામાં પેસેંજરો બેસાડી છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ રહ્યો હતો તે દરમ્યાન રસ્તા પર અચાનક કુતરૂ આવી જતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડો રોડની સામેની સાઈડે પલ્ટી ખાઈ જતાં છકડામાં બેઠેલા દે.બારીયા, સંચાગલી રાણીવાવ ફળિયાના ૪૧ વર્ષીય ધર્મેશભાઈ ચંદ્રસિંહ મોહનીયાને માથામાં, મોઢાના ભાગે તેમજ ડાબા પગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે છકડામાં બેઠેલા રઘુનંદભાઈ શુકલસિંહ ભાભોર, લલીતાબેન રઘુનંદન ભાભોર, સુમિત્રાબેન બાબુભાઈ ભાભોર, કાંતાબેન ભરતભાઈ ભાભોર તથા ઉર્મિલાબેન મડીયાભાઈ પરમારને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવેલા દેવગઢ બારીઆ પોલિસે ઉપરોક્ત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દે.બારીયાની સરકારી દવાખાને ખસેડ્યા હતા અને મૃત્તક ધર્મેશભાઈ મોહનીયાની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે દે.બારીયા સરકારી દવાખાને મોકલી આપી છકડા ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે હીટ એન્ડ રનની બીજી ઘટના દેવગઢ બારીઆના તોયણી ગામે સવારના સાડા નવ વાગ્યાના સુમારે બનવા પામી હતી. જેમાં એક વાહન ચાલક તેના કબજાની જીજે-૦૯ એવી-૯૭૬૨ નંબરની ડંફર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સીંગવડના પાણીવેલા ગામના દીનેશભાઈ છગનભાઈ ચૌહાણની જીજે-૨૦ એસ-૬૪૧૮ નંબરની મોટર સાયકલને અડફેટમાં લઈ ટક્કર મારતાં મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા દિનેશભાઈ છગનભાઈ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જ્યારે ચાલક તેના કબજાની ડંફર ગાડી લઈને નાસી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત દિનેશભાઈ છગનભાઈ ચૌહાણને દેવગઢ બારીયા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે પીપલોદ પોલિસે ડંફર ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: