ખેડા જિલ્લાના પરીએજ તળાવની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
નરેશ ગનવાણી -બ્યૂરોચીફ – નડિયાદ
ખેડા જિલ્લાના પરીએજ તળાવની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આણંદ જિલ્લાના કનેવાલ તળાવ અને ખેડા જિલ્લાના પરીએજ તળાવ તેમજ હેડ વર્કસ પમ્પીંગ સ્ટેશન અને સંમ્પની મુલાકાત લઈ આ તળાવ આધારિત પીવાના પાણી અને સિંચાઈ માટે કાર્યરત યોજનાઓની જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા – વિચારણા કરી આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ ઉનાળાના દિવસોમાં લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ ના પડે તે બાબતે આગોતરા આયોજન સંદર્ભે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
મંત્રીએ આ બંને તળાવો સંલગ્ન યોજનાઓની સમીક્ષા કરીને લોકોને આવનાર દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે કરવાની થતી તમામ કામગીરી સત્વરે હાથ ધરવા જરૂરી સૂચના આપી હતી. તેમણે આ તળાવો મારફત પમ્પીંગ દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારોને પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે, ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવતો પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં અને સાતત્યપૂર્ણ રીતે છેવાડાના ગામો સુધી પહોંચે અને લોકોને ઉનાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે જોવા ખાસ તાકિદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં આવેલ પરીએજ તળાવ ૩૬૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી સૌરાષ્ટ્રના ૪૧ નગરો અને ૨૧૩૧ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ આણંદ જિલ્લામાં આવેલ કનેવાલ તળાવ ૫૨૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી તારાપુર તાલુકાના ૧૪૩૬ હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, આ ઉપરાંત વલ્લી ગામ પાસે આવેલ મિલરામપુરા પાણી પુરવઠા યોજના મારફત ખંભાત અને તારાપુર તાલુકાના ૫૧ ગામો, ખંભાત નગરપાલિકા પાણી પુરવઠા યોજના મારફત ખંભાત શહેર અને આજુબાજુના ગામો તથા સૌરાષ્ટ્ર પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહયુ છે. આ પ્રસંગે નાયબ દંડક રમણભાઇ સોલંકી, પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.