દાહોદ જિલ્લાના સરકારી અધિકારીઓએ કર્યું સાગટાળાના જંગલમાં ટ્રેકિંગ
ઓફિસ એટલે ઘર પછીનું ઘર ! દિવસનો મોટા ભાગનો સમય ઓફિસ અને તેના કામ માટે પસાર થતો હોય છે. એથી જ સહકર્મયોગીઓ પણ પરિવારના સભ્ય સમાન બની જાય છે. આવો જ એક પરિવાર છે દાહોદ જિલ્લાની રાજ્ય સરકારની વિવિધ કચેરીના અધિકારીઓનો એક પરિવાર અને તેના મોભી છે કલેક્ટર ! જનસેવાના કાર્યમાં સતત વ્યસ્ત રહેતા આ કર્મયોગીઓ ક્યારેક પોતાના માટે સમય આપી શકતા નથી. એટલે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન થયું દિવાળીના સ્નેહમિલન કમ સાહસિક ઉજાણીનું ! સ્થળ રહ્યું દેવગઢ બારિયા સ્થિત સાગટાળા ઇકો ટૂરીઝમ સાઇટ !
દેવગઢ બારિયા વન વિભાગ હેઠળ સાગટાળા રેન્જ આવેલી છે. આ રેન્જનો કુલ વન વિસ્તાર ૮૦૫૦ હેક્ટર છે. ડેન્સ જંગલ છે અને તેને મિક્સ ડેસીડ્યુ ટીક ફોરેસ્ટ અને ડ્રાય ડેસીડ્યુઅસ ટીક ફોરેસ્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણ જંગલ કેટલાક પ્રમાણમાં હરિયાળું રહે છે ? તેના આધારે કરવામાં આવે છે. સાગટાળા વન વિસ્તારને બે બીટ, પૂર્વ અને પશ્ચિમ એમ વિભાજિત કરવામાં આવ્યો છે. જંગલમાં આવેલું તળાવ અને તેની પાસે વિંધ્યાચળની પર્વતમાળા મનોહર દ્રષ્ય ઉભું કરે છે. જાણે પ્રકૃત્તિ તેમના ખોળે રમવા બોલાવતી હોય ! શીતળ હવા અને પંખીઓનો કલરવ આલ્હાદક અનુભવ કરાવે છે. જીવનની ઘટમાળથી થાકેલી કોઇ પણ વ્યક્તિ અહીં આવી ‘રિચાર્જ’ થઇ જાય એવું વાતાવરણ !
દાહોદ જિલ્લાના સંકલન સમિતિની અધિકારીઓ માટે ટ્રેકિંગ કેમ્પનું આયોજન સાગટાળા ઇકો ટૂરીઝમ સાઇટ ખાતે આયોજન થયું. ટ્રેકિંગનું સુકાન નાયબ વન સંરક્ષક શ્રી જનકસિંહ ઝાલા, એસીએફ શ્રી અક્ષય જોષી, એસીએફ શ્રી ઋષિરાજ પુવારે સંભાળ્યું.
સાગાટાળા રેસ્ટ હાઉસથી પર્વત ઉપર આવેલા શ્રી વિષ્ણુ ભગવાનના મંદિર સુધીના વનભ્રમણનો રૂટ હતો. તેનો પ્રારંભ થયો સવારના પહેલા પહોરથી ! કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોઇસર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે સહિતના તમામ અધિકારીઓ આ વનભ્રમણમાં જોડાયા. ભ્રમણના માર્ગની શરૂઆત જ પથરાળ કેડીથી થઇ જાય છે.
સાંકડી પગદંડીઓ, તેમાં આવતા વૃક્ષોની ઓળખ મેળવતા આ સંઘ પહોંચ્યો ઝરીવાળા વન સુધી ! અહીંથી નાની નદી પસાર થાય છે. ત્યાં પહોંચતા પૂર્વે વન અધિકારીઓએ પ્રાણીઓ અવરજવરના માર્ગ ઉપર મૂકવામાં આવેલા કેમેરાની માહિતી આપી. ઝરીના વનમાં વન અધિકારીઓને બચાવવામાં આવેલા એક અજગરને કેવી રીતે મુક્ત કરવામાં આવે છે ? તેનું નિદર્શન કરવામાં આવ્યું. અહીં લિંબુ પાણી પીને તમામ આગળ વધ્યા. આ માર્ગ અંદાજે દોઢેક કિલોમિટરનો છે. ત્યાં સુધીમાં તો કેટલાક અધિકારીઓના ચહેરા ઉપર બેવડાયેલો ઉત્સાહ તો કેટલાકના ચહેરા ઉપર સ્વેદ સાથે થાક પણ જોવા મળી ગયો !
ઝરીવાળા વનથી શરૂ થાય છે કપરૂ અને સીધુ ચઢાણ ! પથ્થરો વચ્ચે બનાવવામાં આવેલી નાની કેડી સંભાળીને પગ રાખવા પડે ! જો એમ ના કરો તો ભોંય ભેગા થવાની ગેરેંટી !! વિષ્ણુ ભગવાનના મંદિર સુધી પહોંચવા માટેના તમામ રસ્તા કપરા ચઢાણવાળા ! પણ, એક વાર તમે ત્યાં પહોંચો એટલે ચારે દિશામાં આંખોને ઠંડક આપે એવો નજારો ! અહી પહોંચવામાં કોઇ પણની શારીરિક ક્ષમતાની કસોટી થઇ જાય. અહીં કોઇ વસ્તુ આરોગો એટલે તેનો સ્વાદ અમૃત જેવો લાગે !
ભગવાન શ્રી વિષ્ણુના દર્શન, નમન કરી સૌ કેમ્પ તરફ પરત ફર્યા ! જેટલો સમય જવામાં થયો એના કરતા અડધા સમયમાં સૌ અધિકારીઓ પરત ફરી ગયા.
આમ, આ ટ્રેકિંગ કેમ્પ સંકલનના અધિકારીઓ માટે પારિભાવિક ભાવનાને પ્રબળ કરનારો, કાર્યશક્તિવર્ધક, વન સમૃદ્ધિનો પરિચય કરાવનાર બની રહ્યો !
અને હા ! અહીં દેવગઢ બારિયા વન વિભાગ દ્વારા સમયાંતરે ટ્રેકિંગ કેમ્પનું આયોજન થાય છે. જેમાં સૌ કોઇ ભાગ લઇ શકે છે. કુદરત સાથે તાદાત્મ્ય સાધવાની તક મળે છે. જેનો લાભ લેવો જોઇએ.