દાહોદ જિલ્લામાં વધુ પાંચ જેટલા વ્યાજખોરો વિરૂધ્ધ જુદા જુદા બે પોલિસ સ્ટેશનોમાં ફરિયાદ નોધાઈ.
નીલ ડોડીયાર
દાહોદ જિલ્લામાં લાયસન્સ વગર તગડા વ્યાજે નાણાંધીરી વ્યાજ સાથે નાણા વસુલ્યા બાદ પણ વધુ નાણા કઢાવવા પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપનાર શાહુકારોની સંખ્યા પણ મોટી હોય તેમ લાગી રહ્યું છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં વધુ પાંચ જેટલા વ્યાજખોરો વિરૂધ્ધ જુદા જુદા બે પોલિસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળ્યું છે.
દાહોદ, ગોધરારોડ, નવરંગ સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય અસ્લમખાન નિઝામખાન પઠાણે તા. ૧૪-૪-૨૦૧૪ના રોજ સુરેન્દ્રભાઈ કસ્તરીયા પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂપિયા ૧,૯૦,૦૦૦ લીધા હતા. જે વ્યાજ સહીત તા. ૨૫-૭-૨૦૨૬ના રોજ આપી દીધા હતા. તથા દાહોદ ગોધરા રોડ, વિમલ સોસાયટીમાં રહેતા બંટુ ઉર્ફે જાેન્સન લોબો પાસેથી અવારનવાર ૧૦ ટકાના વ્યાજે આઠ ચેક આપી પૈસા લીધા હતા. તેમ છતાં ચેક લેવા માટે તેની પાસે જાય ત્યારે વ્યાજના પૈસા બાકી છે તે આપી દે તેમ કહી ગાળો આપી માર મારવાની ધમકીઓ આપતો અને ફુલદીપભાઈ કસ્તરીયા અસ્લમખાન પઠાણ પાસેથી રૂપિયા પાંચ લાખ વધુ કઢાવી લેવા ગાળો આપી મારમારવાની ધમકીઓ આપતો હતો.
આ સંબંધે દાહોદ ગોધરારોડ, નવરંગ સોસાયટીમાં રહેતા અસ્લમભાઈ નિઝામખાન પઠાણે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ ટાઉન એ ડીવીઝન પોલિસે ગોધરારોડ, દર્શના સોસાયટીમાં રહેતા ફુલદીપભાઈ સુરેન્દ્રભાઈ કસ્તરીયા તથા ગોધરારોડ, વિમલ સોસાયટીમાં રહેતા બંટુ ઉર્ફે જાેન્સન લોબો વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૮૪, ૫૦૬, ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમ કલમ ૪૦, ૪૨(અ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે ફતેપુરામાં બનેલા બનાવમાં ફતેપુરા ગામે ઝાલોદ રોડ પર આવેલ જય અંબે સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રકુમાર નગીનભાઈ ડબગરને વેપાર માટે તથા પોતાના ભાઈની બીમારીના ઈલાજ માટે મોટી રકમની જરૂરીયાત ઉભી થથાં તેઓએ ફતેપુરા મેઈન બજારમાં રહેતા મૌલીકકુમાર બુધલભાઈ શાહ પાસેથી ૩ ટકાના વ્યાજના દરે રૂપિયા પાંચ લાખ લીધા હતા અને ૩ ટકાના વ્યાજ સાથે તેને ૧૦,૮૦,૦૦૦ રૂપિયા ચુકવી દીધા હતા. ફતેપુરા માર્કેટ યાર્ડ આગળ રહેતા મહુલકુમાર પોપટભાઈ કલાલ પાસેથી ૩ ટકાના વ્યાજના દરે રૂપિયા પાંચ લાખ લીધા હતા અને તેને વ્યાજના રૂપિયા ૩,૧૫૦૦૦ આપી દીધા હતા તથા ફતેપુરા ગામે ઉખરેલી રોડ મંદીર પાસે રહેતા ચંદ્રકાંત ઉર્ફે લાલાભાઈ વિનોદભાઈ ડબગર પાસેથી ૩ ટકાના વ્યાજના દરે રૂપિયા ૨ લાખ લીધા હતા અને તેને વ્યાજ સાથે રૂપિયા ૩,૨૫,૫૦૦ ચુકવ દીધા હતા તેમ છતાં ત્રણે વ્યાજખોરોએ પોતાની મૂડીની રકમ હબાકી છે તેમ કહી અલગ અલગ તારીખે અલગ અલગ સમયે ધર્મેન્દ્રકુમાર નગીનભાઈ ડબગરની દુકાને તેમજ ઘરે આવી બળજબરી પૂર્વક વ્યાજની વસુલીના વધુ રૂપિયાની માંગણી કરી ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી.
આ સંબંધે ફતેપુરા જય અંબે સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રકુમાર નગીનલાલ ડબગરે નોંધાવેલ ફરિયાદને આધારે ફતેપુરા મેઈન બજારમાં રહેતા મૌલિકકુમાર બુધલભાઈ શાહ, ફતેપુરા માર્કેટ યાર્ડની આગળ ઝાલોદ રોડ પર રહેતા મેહુલકુમાર પોપટભાઈ કલાલ તથા ફતેપુરા, ઉખરેલી રોડ, મંદીરની સામે રહેતા ચંદ્રકાંત ઉર્ફે લાલાભાઈ વિનોદભાઈ ડબગર વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૮૪, ૨૯૪(ખ), ૫૦૬(૨) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની ૪૦, ૪૦(અ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી ત્રણે વ્યાજખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.